Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

દિલહીના છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાનનું મોત થતા ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમારનું નામ ખુલતા પોલીસ તપાસ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઉત્તરી ક્ષેત્રમાં સ્થિત છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાનો વચ્ચે થયેલી કથિત લડાઈમાં એકનું મોત થયુ છે. જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારનું નામ પણ સામે આવી રહ્યું છે.

હત્યા કેસમાં આવ્યું સુશીલ કુમારનું નામ

રેસલરની હત્યા કેસના આ મામલામાં સુશીલ કુમારનું નામ સામે આવ્યુ. ત્યારબાદ દિલ્હી પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા છે. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં રેસલરોના બે જૂથ વચ્ચે મારપીટ થઈ હતી. ત્યારબાદ 23 વર્ષના એક રેસલરનું મોત થઈ ગયુ છે.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, આ મામલા પર ડીસીપી (ઉત્તર પશ્ચિમ) ડો. ગુરઇકબાલ સિંહ સિદ્ધૂએ કહ્યુ, અમે સુશીલ કુમારની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ, કારણ કે તેની વિરુદ્ધ આરોપ લગાવવામાં આવ્યા છે. અમે તેના ઘરે ટીમ મોકલી છે, પણ તે ગાયબ હતો. અમે તેની શોધખોળ કરી રહ્યા છીએ. આરોપી વ્યક્તિઓની જાણકારી મેળવવા માટે ટીમ બનાવવામાં આવી છે.

આ કેસમાં એફઆઈઆર એક પીસીઆર કોલના આધાર પર સહાયક ઉપ-નિરીક્ષક જિતેન્દ્ર સિંહ દ્વારા નોંધવામાં આવી છે. શરૂઆતી તપાસમાં સામે આવ્યુ કે, સુશીલ પહેલવાન (કુમાર) અને તેના સહયોગીઓએ આ ગુનો કર્યો છે.

મહત્વનું છે કે દિલ્હી પોલીસે જણાવ્યું કે, તેમને મંગળવારે બપોરે 12 કલાકે છત્રસાલ સ્ટેડિયમાં રેસલરો વચ્ચે ઝગડાની સૂચના મળી હતી. તેમણે આ ઝગડામાં સામેલ રેસલરોને બીજેઆરએમ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા અને બાદમાં તેને ટ્રોમા સેન્ટ્રલ લઈ જવામાં આવ્યો, જ્યાં બુધવારે તેનું મોત થયું છે.

પોલીસે કહ્યુ કે, મૃતકની ઓળખ સાગર નામના વ્યક્તિ તરીકે થઈ છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, હાલ એવુ લાગી રહ્યું છે કે રેસલરો વચ્ચે ઝગડો થયો જેમાં કેટલાક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે અને એકનું મોત થયું છે. આ લડાઈનું કારણ હજુ સામે આવી શક્યુ નથી.

(4:56 pm IST)