Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

શિરડી મંદિર ટ્રસ્ટની કોવીડ હોસ્પિટલમાં 7000 દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી કોરોના મુક્ત કર્યા

દર્દીઓ સાથે તેમના પરિવારજનો માટે પણ રોકાવા અને ખાવા, પીવાની વ્યવસ્થા

મુંબઈ : કોરોના મહામારીમાં દેશના ઘણા ધાર્મિક સ્થળોએ પોતાના દરવાજા દર્દીઓ માટે ખોલી દીધા છે. ક્યાંક મંદિરોને જ હૉસ્પિટલમાં બદલી દેવામાં આવ્યા છે તો ક્યાંક અલગથી કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે ભલે શિરડીને ગયા વર્ષની તુલનામાં આ વર્ષે દાન 83 ટકા ઓછું મળ્યું હોય, પરંતુ સેવામાં કોઈ ઘટાડો થયો નથી. સાંઈ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલી કોવિડ હૉસ્પિટલથી અત્યાર સુધી 7 હજારથી વધારે દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અહીં દર્દીઓ સાથે તેમના પરિવારજનો માટે પણ રોકાવા અને ખાવા, પીવાની વ્યવસ્થા છે.

શિરડી સાંઈ ધામમાં વર્ષ 2018મા 1.65 કરોડ ભક્ત દર્શન માટે પહોંચ્યા હતા. વર્ષ 2019મા 1.57 કરોડો ભક્તોએ દર્શન કર્યા, પરંતુ વર્ષ 2020મા કોરોનાના પ્રકોપના કારણે મંદિર બંધ કરવું પડ્યું. પહેલી લહેર બાદ જ્યારે મંદિર ખૂલ્યું તો 16 નવેમ્બરથી લઈને 21 ડિસેમ્બર વચ્ચે 5.74 લાખ ભક્તોએ દર્શન કર્યું. વર્ષ 2021મા 1 જાન્યુઆરીથી 5 એપ્રિલ વચ્ચે ભક્તોનો આંકડો લગભગ 62 હજાર જ રહ્યો.

 

કોરોના મહામારીને જોતા ટ્રસ્ટે એપ્રિલ 2020મા કોવિડ હૉસ્પિટલ બનાવી અને અહીં ફ્રીમાં દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી.

એપ્રિલ 2020થી અત્યાર સુધી બાબાના ધામમાંથી 7 હજારથી વધારે દર્દી સાજા થઈને જઈ ચૂક્યા છે. ટ્રસ્ટની જે ટીમ પેહલા ભક્તોની સેવામાં ફરજ બજાવી રહી હતી, હવે તે દર્દીની સેવામાં લાગી છે. હૉસ્પિટલમાં જ લગભગ 3 હજાર કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. શિરડી ટ્રસ્ટે 640 બેડની કોવિડ હૉસ્પિટલ તૈયાર કરી છે. તેમાં 140 ઓક્સિજન બેડ છે અને 20 વેન્ટિલેટર બેડ છે. જોકે કોવિડ માટે કુલ ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે

 

ત્રણેય જગ્યાઓને મળાવી લેવામાં આવે તો લગભગ દોઢ હજાર બેડની સુવિધા છે. એક રિપોર્ટ મુજબ ઓક્સિજનની અછતના કારણે દર્દીઓ પર સંકટ ઊભું થઈ ગયું હતું. ત્યારબાદ નીતા અંબાણી અને ચેન્નાઈ કેવ્હી રમની ટ્રસ્ટે 3 કરોડ રૂપિયા દાન કર્યા. તેનાથી ઓક્સિજન પ્લાન્ટ સાથે જ આધુનિક RT-PCR લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા 1200 LPM પ્રતિ મિનિટ છે.

અહીં સારવાર કરાવી રહેલા દર્દીઓ સાથે જ તેના પરિવારજનો માટે રહેવા, ખાવાની વ્યવસ્થા છે. સાંઈ બાબા ટ્રસ્ટને કોરોના કાળમાં 295 કરોડ રૂપિયા ઓછા મળ્યા. ટ્રસ્ટને વર્ષ 2018-19મા 428 કરોડ રૂપિયા દાન મળ્યા હતા. એ સિવાય 24.795 કિલો સોનું, 428.555 કિલો ચાંદી મળ્યું. એ જ રીતે વર્ષ 2019-20મા 357 કરોડ રૂપિયાનું દાન આવ્યું. 17.90 કિલો સોનું અને 357.492 કિલો ચાંદી મળ્યું.

જ્યારે કોરોના કાળમાં એટલે કે 1 એપ્રિલ 2020-25 મે 2021 સુધી ટ્રસ્ટને 62 કરોડનું દાન ઓનલાઇન મળ્યું. એટલે કે ગયા વર્ષની તુલનામાં 295 કરોડ રૂપિયાનું દાન ઓછું આવ્યું. ટકાવારીમાં જોઈએ તો લગભગ 83 ટકાનો ઘટાડો આવ્યો છે. લગભગ 14 કિલો સોનું અને 295 કિલો ચાંદી પણ ઓછું મળ્યું. ટ્રસ્ટની સંપત્તિની વાત કરીએ તો 31 માર્ચ 2020 સુધી સાંઈ સંસ્થાની કુલ સંપત્તિ 3013 કરોડ રૂપિયા હતી.

(11:35 pm IST)