Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કર્ણાટકમાં હુબલીની હોટલમાં સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરુજીની છરાના ઘા ઝીકી કરપીણ હત્યા: ખળભળાટ

હત્યારાઓ ભક્ત બનીને હોટલમાં આવ્યા:એક વ્યક્તિએ ચંદ્રશેખર ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા અને બાદમાં બીજાએ તેમના પર હુમલો કર્યો

કર્ણાટકમાં હુબલીમાં ‘સરલ વાસ્તુ’ નિષ્ણાત ચંદ્રશેખર ગુરુજીની હત્યા કરવામાં આવી છે. હોટલમાં તેની હત્યા કરનાર બે લોકો ભક્ત બનીને આવ્યા હતા અને બાદમાં છરી વડે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમાંથી એક વ્યક્તિએ પહેલા ચંદ્રશેખર ગુરુજીના ચરણ સ્પર્શ કર્યા અને બાદમાં બીજાએ તેમના પર હુમલો કર્યો. તેના પર છરી વડે અનેક વાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલાખોરો ચંદ્રશેખર ગુરુજી પર હુમલો કરતાની સાથે જ ત્યાં હાજર લોકો ભાગી જાય છે.

આ ઘટના બાદ હોટલમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના પર પોલીસ કમિશ્નરે જણાવ્યું કે કેટલાક લોકોએ તેમને હોટેલના લોબી એરિયામાં બોલાવ્યા હતા જ્યાં તેઓ રોકાયા હતા. તેણે કહ્યું, ‘એક વ્યક્તિએ તેને શુભેચ્છા પાઠવી અને અચાનક તેમના પર છરા વડે પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. તેમના શરીર પર અનેક ઈજાઓ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયુ હતું. આ અંગે પોલીસ જણાવ્યુ હતું કે  અમે કેસ નોંધ્યો છે અને આરોપીની શોધ કરી રહ્યા છીએ. મૃતદેહને KIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે હત્યારાઓને ઝડપી લેવા સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘટનાની માહિતી મળતા જ હુબલીના પોલીસ કમિશનર લાભુરામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું હતું કે મૂળ બાગલકોટના રહેવાસી ગુરુજીએ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં તેમને મુંબઈમાં નોકરી મળી હતી. આ પછી ગુરુજી મુંબઈમાં સ્થાયી થયા અને વાસ્તુ કન્સલ્ટન્સી આપવાનું શરૂ કર્યું. ત્રણ દિવસ પહેલા હુબલીમાં ગુરુજીના પરિવારના એક બાળકનું મૃત્યુ થયું હતું, જેના કારણે તે અહીં આવ્યા હતા.

આ ઘટના બાદ પોલીસે ચંદ્રશેખર ગુરુજીના પરિવારને જાણ કરી છે. આ ઘટના પહેલા તેમના કેટલાક કર્મચારીઓએ ઘણા મહિનાઓથી પગાર ન મળ્યો હોવાના આક્ષેપ સાથે ધરણા કર્યા હતા. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે, જ્યારે તે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી રહી છે. હવે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પણ આ ઘટના પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે આ એક જઘન્ય હત્યા છે. મેં વીડિયો જોયો છે અને ત્યાર બાદ હુબલી પોલીસ કમિશનર સાથે વાત કરી છે.

(9:04 pm IST)