Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાહુલ ગાંધીએ ફરી જીએસટીને કહ્યું ગબ્બર સિંહ ટેક્સ:નીચા દરનો સ્લેબ બનાવવાની કરી માગ

રાહુલ ગાંધીએ કહ્યું કે નીચા દરથી ગરીબ અને મધ્યમ વર્ગ પરનો બોજ ઓછો કરવામાં મદદ મળશે

નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. જે અંતર્ગત રાહુલ ગાંધીએ ફરી એકવાર GSTને ગબ્બર સિંહ ટેક્સ ગણાવ્યો છે. આ સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જીએસટીના નીચા દરનો સ્લેબ બનાવવાની માગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નીચા દરથી ગરીબ અને મધ્યમ વર્ગ પરનો બોજ ઓછો કરવામાં મદદ મળશે.

 રાહુલ ગાંધીએ મંગળવારે આ અંગે એક ટ્વિટ કર્યું છે. GST કાઉન્સિલની બેઠક 28 જૂનના રોજ મળી હતી. જેમાં માછલી, દહીં, પનીર, મધ, સૂકા ફળ, સૂકા મખાના, ઘઉં અને અન્ય અનાજ, ગોળ, મમારા અને જૈવિક ખાતર પર હવે 5% GST લગાવવાની ભલામણ કરવામાં આવી હતી. જેના પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટ કરીને આ વાત કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પોતાના ટ્વીટમાં કહ્યું કે સ્વાસ્થ્ય વીમા પર GST 18 ટકા, હોસ્પિટલના રૂમ પર GST 18 ટકા અને હીરા પર GST 1.5 ટકા છે. ગબ્બર સિંહ ટેક્સ એ એક દુઃખદ સ્મરણ કરાવે છે કે વડાપ્રધાન કોની કાળજી લે છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું છે કે સ્લેબ અને નીચા દર GSTથી ગરીબ અને મધ્યમ વર્ગ પરનો બોજ ઓછો કરવામાં મદદ મળશે.

GST કાઉન્સિલની બેઠક 28 જૂને યોજાઈ હતી. કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તમામ રાજ્યોના મંત્રીઓએ ભાગ લીધો હતો. પ્રી-પેકેજ અને લેબલ થયેલ માંસ, માછલી, દહીં, પનીર, મધ, સૂકા ફળો, સૂકા મખાના, ઘઉં અને અન્ય અનાજ, ગોળ અને મમરા બધા પર 5% વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે.

આ મામલાને લઈને દિલ્હી મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અમૃતા ધવને સોમવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સામાન્ય માણસના ખિસ્સામાં કાણું પાડવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે રોગચાળાને કારણે દરેક ઘરની આર્થિક સ્થિતિ ખરાબ છે, લોકો પાસે નોકરી નથી. આવી સ્થિતિમાં સરકારે લોકોને રાહત આપવી જોઈએ, પરંતુ તેના બદલે તેઓ અનાજ પર જીએસટી લગાવી રહી છે

(9:47 pm IST)