Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ 13મીએ આવશે ગુજરાત : સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને વિવિધ પ્રોજેકટનું નિરિક્ષણ કરશે: તેઓના સ્વાગત અને અભિવાદન માટે ભરૂચ જિલ્લા ભાજપ ઉત્સાહિત

દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA દ્વારા આદિવાસી મહિલા આગેવાન અને આદિવાસી ગૌરવ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

દ્રૌપદી મુર્મુ હાલ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે તેઓ આગામી તારીખ 13 જુલાઈએ ગુજરાત આવશે. કેવડિયા એકતાના પ્રતિક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને વિવિધ પ્રોજેકટનું નિરિક્ષણ કરશે.

 

આ અંગેના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયાના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વર, હાંસોટ, વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં બેઠક યોજાય હતી. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના કાર્યક્રમમાં ભરુચ જિલ્લામાંથી 10 હજાર લોકો ભાગ લે એવું આયોજન કરવામાં આવ્યું છે.

 

વિવિધ તાલુકા મથકે યોજાયેલ બેઠકમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, મહામંત્રી વિનોદ પટેલ, અરવિંદ વસાવા, સેવંતુ વસાવા, ધર્મેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યુ હતું કે, આઝાદી બાદથી અન્ય રાજકીયપક્ષોએ આદિવાસીઓનો માત્ર વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કર્યો છે અને પોતાને આદિવાસીઓના મસીહા ગણાવ્યા છે પરંતુ ભાજપ અને NDA દ્વારા આદિવાસી ગૌરવ એવા દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ પદના ઉમેદવાર તરીકે જાહેર કરી આદિવાસીઓને સાચું સન્માન આપ્યું છે.

આદિવાસી ગૌરવ એવા દ્રૌપદી મુર્મુ ભરૂચના પાડોશી જિલ્લા નર્મદાનાં એકતા નગરની મુલાકાતે આવી રહ્યા છે તેઓના સ્વાગત અને અભિવાદન માટે ભરૂચ જિલ્લા ભાજપ ઉત્સાહિત છે અને તેઓને ભરૂચ જિલ્લાના તમામ આદિવાસીઓનું સમર્થન છે.

(10:35 pm IST)