Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કલકતામાં અનોખા લગ્નઃ બે પુરૂષોએ હિન્‍દુ રીતિ રિવાજ મુજબ ધૂમધામથી કર્યા લગ્નઃ અગ્નિની સાક્ષીએ લીધા સાત ફેરા

ગે કપલે હિન્‍દુ રીતિ રિવાજ મુજબ કર્યા લગ્નઃ પરિવાર અને મિત્રોની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયા

કોલકતા,તા. ૬ : કલકત્તામાં થયેલા એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્‍યા છે. આ લગ્ન ગે કપલના હોવાના કારણે ખૂબ જ ચર્ચામાં છે. ફેશન ડિઝાઈનર અભિષેક રે પોતાના પાર્ટનર ચૈતન્‍ય શર્મા સાથે લગ્ન કર્યા હતા, આ લગ્ન LGBTQ+ કમ્‍યુનિટી માટે સમાજમાં નવી ધારા સાથે જોડાવાની આશા ઊભી કરે છે. એક રિપોર્ટમાં જણાવ્‍યા અનુસાર, આ લગ્ન હિન્‍દુ રીતિ-રિવાજ અનુસાર થયા હતા. તેમાં પંડિતે મંત્રાચ્‍ચાર કર્યા તો વળી કપલે એકબીજાને વરમાળા પણ પહેરાવી હતી. તેની સાથે જ કપલે પવિત્ર અગ્નિની સામે ફેરા પણ લીધા હતા.

જો કે, આ કંઈ પ્રથમ અવસર નથી, જયારે કલકત્તા શહેરમાં સમલૈંગિક લગ્ન થયા હોય, પણ ચોક્કસપણે એવા આ પ્રથમ લગ્ન છે, જયાં હિન્‍દુ રીતિ રિવાજથી લગ્ન થયા હોય. અભિષેક રેએ જણાવ્‍યું હતું કે, LGBTQ+ સમુદાયમાં મોટા ભાગના લોકો લીવ ઈનમાં રહે છે અથવા તો ઘર પર નાનુ એવુ ફંક્‍શન આયોજીત કરે છે અને સાથે રહે છે. પણ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. મેં ચૈતન્‍યને કહ્યું કે, આપણે કંઈક આવી રીતે કરવું જોઈએ કે તે આપણા પરિવાર અને દોસ્‍તો માટે યાદગાર બની જાય.

અભિષેકે કહ્યું હતું કે, આ લગ્ન બંગાળી અને મારવાડી પરિવારની વચ્‍ચે થઈ હતી, તેના કારણે બંને પરિવારોના રીતિ રિવાજોથી લગ્નનું આયોજન કરવામાં આવ્‍યું. આપને જણાવી દઈએ કે, સમલૈંગિક લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

લગ્નમાં સામેલ થયેલા ફેશન ડિઝાઈનર નવોનિલ દાસે કહ્યું કે, જેવું કે લગ્નના સાઈનબોર્ડમાં બે માણસ કહે છે કે, વી ડૂ, જે જોનારા લોકોના મનમાં જિજ્ઞાસા ઊભી કરે છે. રે અને શર્મા સારી રીતે જાણે છે કે, ભારતમાં ગે મેરેજ કાયદાકીય રીતે પ્રચલિત નથી, અને લગ્ન રજીસ્‍ટર્ડ પણ નથી થતાં, પણ આ કોઈ ગુનાહિત કૃત્‍ય નથી.

રે અને શર્માના લગ્ન કરાવનારા પંડિતે પણ આ લગ્નને અનોખા લગ્ન ગણાવ્‍યા હતા. તે અનુસાર આ ગે કપલે એક નવો રસ્‍તો ચિંધનારુ કહ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, લગ્ન દરમિયાન તેમને જેન્‍ડર સ્‍પેસિફિકેશનના કારણે કેટલીય વાર મંત્રોચ્‍ચાર કરવામાં પણ તકલીફનો સામનો કરવો પડ્‍યો હતો.

(10:26 am IST)