Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મોંઘવારીથી ત્રસ્‍ત લોકો ઉપર ૧૮મીથી વધશે બોજો

ઝીંકાશે GSTનો ફટકોઃ ૬૫૦૦થી વધુ યાર્ડોમાં હડતાલની તૈયારીઃ રોટી-કપડા મકાન હોવા જોઇએ ટેક્ષ ફ્રી : લોટ - દાળ - ચોખા મોંઘા થશે : જથ્‍થાબંધ વેપારીઓ આંદોલન કરશે

મુંબઇ, તા.૬: ખાદ્ય ચીજોના ભાવોથી ત્રસ્‍ત દેશના ૧૩૦ કરોડ લોકોની મુશ્‍કેલીઓ ૧૮ જુલાઇથી વધારે વધવાની છે. આનુ કારણ પેકડ ફુડ, અનબ્રાંડેડ ઘઉં, ચોખા, લોટ અને દાળોને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી છે. દરેક ઘરમાં રોજીંદા ઉપયોગમાં લેવાતા આ ખાદ્ય પદાર્થો પર પાંચ ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટી કાઉન્‍સીલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બાબતે જથ્‍થાબંધ વેપારીઓ આંદોલનની તૈયારીમાં છે.
છૂટક વેપારીઓના રાષ્‍ટ્રીય સંગઠન કન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સ (કૈટ) એ આનો અમલ રોકવાની માંગણી કરી છે. ગ્રેન રાઇસ એન્‍ડ ઓઇલ સીડસ મર્ચન્‍ટ એસોસીએશન (ગ્રોમા) એ આને તઘલખી ફરમાન ગણાવ્‍યુ છે. ગ્રોમાના પ્રમુખ શરદકુમાર મારૂએ કહ્યું કે અમે આને નથી માનવાના. આના વિરોધમાં દેશની ૬૫૦૦થી વધારે મંડીઓમાં હડતાલ થઇ શકે છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આમા હસ્‍તક્ષેપ કરવો જોઇએ. વડાપ્રધાને ભરોસો આપ્‍યો હતો કે ચોખા, દાળ, લોટ, દુધ- દહીં વગેરે પર જીએસટી નહીં લાગે. મારૂએ કહ્યુ કે જો આ જીએસટી લાગશે તો અનબ્રાંડેડ પેકડ ખાદ્ય પદાર્થોના ભાવો ૨ થી ૩ રૂપિયા વધી જશે.
રોટી-કપડા-મકાન ટેક્ષ ફ્રી હોવા જોઇએ
મુંબઇઃ કેટના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બી.સી. ભરતીયાએ કહ્યુ છે કે દર મહિને જીએસટી કરસંગ્રહ વધી રહ્યા છે જીએસટી કાનુનની સમીક્ષા કરી વિસંગતિ દુર કરવી જોઇએ. રોટી-કપડા-મકાન આમ આદમીની પાયાની જરૂરીયાત છે આ ત્રણેયને ટેક્ષ ફ્રી કરવા જોઇએ

 

(11:25 am IST)