Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મુંબઈમાં વરસાદથી હાહાકાર મહારાષ્‍ટ્રના અમુક વિસ્‍તારોમાં રેડ એલર્ટ

અનેક વિસ્‍તારોમાં ખાડાનું સામ્રાજયઃ એકનું મોત

મુંબઈઃ મહારાષ્‍ટ્રમાં છેલ્લા બે દિવસ સતત વરસી રહેલા વરસાદથી રસ્‍તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. થાણેના ઘોડબંદર રોડના કાજૂપાડા વિસ્‍તારમાં વરસાદ દરમ્‍યાન બાઈક પર સવાર એક વ્‍યકિત ખાડાના કારણે નીચે પડી ગયો અને પાછળ આવી રહેલ એસટી બસના પાછતા વ્‍હીલમાં આવી જતા તેનું મોત થયું હતું.

મૃતક વ્‍યકિતની ઓળખ અહમદ ઈરફાન ખાન (૩૭) તરીકે થઈ છે જે એક ઈલેકટ્રીશ્‍યન હતો અને જેપી ઈન્‍ફ્રેકચરમાં કામે જઈ રહ્યો હતો.

આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું છે. મુંબઈના કેટલાક વિસ્‍તારો જળમગ્ન બની ગયા છે. હવામાન વિભાગે મહારાષ્‍ટ્રમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે. જયારે રત્‍નાગીરી અને રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. થાણે, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગ, રત્‍નાગીરી અને કોલ્‍હાપુરમાં વરસાદ વધારે પડવાની આગાહી છે એટલે ત્‍યાં વધારે સાવચેતી રખાઈ રહી છે.

(4:22 pm IST)