Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું

રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થતા રાજીનામું અપાતા કેન્દ્રીય લઘુમતિ બાબતોના મંત્રી નકવી : ઉપરાષ્ટ્રપતિ પદની રેસમાં નકવીના નામની ચર્ચા: કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન મોદીએ નકવીના વખાણ કરતા કહ્યું કે મુખ્તાર અબ્બાસ નકવીએ દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું

નવી દિલ્હી :કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન મોદીએ નકવીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મુખ્તાર અબ્બાસ નકવીએ દેશના વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું છે. બુધવારે રાજ્યસભાના સાંસદ તરીકે મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનો છેલ્લો દિવસ છે. રાજ્યસભાની યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપે તેમને કોઈ જગ્યાએથી ઉમેદવાર બનાવ્યા ન હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે કે પાર્ટી તેમને નવી ભૂમિકા સોંપી શકે છે.

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના (BJP) અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એવા સમયે થઈ જ્યારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ દેશ અને લોકોની સેવામાં નકવીના યોગદાનની પ્રશંસા કરી હતી.

 સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાને કેબિનેટ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાન દ્વારા બંને નેતાઓની પ્રશંસા એ સંકેત તરીકે પણ જોવામાં આવી હતી કે હવે બંને નેતાઓ કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપશે. કહેવામાં આવી રહ્યું છે કે નકવીએ પોતાનું રાજીનામું વડાપ્રધાન મોદીને સોંપી દીધું છે.

મુખ્તાર અબ્બાસ નકવી હાલમાં કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી છે અને રાજ્યસભામાં ભાજપના ઉપનેતા છે. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ આ વર્ષે 7 જુલાઈએ એટલે કે ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યસભા માટે યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપે તેમને ક્યાંયથી ઉમેદવાર બનાવ્યા ન હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટી તેમને નવી ભૂમિકા સોંપી શકે છે.

મુખ્તાર અબ્બાસ નકવી 2010થી 2016 સુધી યુપીથી રાજ્યસભાના સભ્ય હતા. 2016માં તેમને ઝારખંડથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નકવી 1998માં પ્રથમવાર લોકસભા ચૂંટણી જીત્યા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે પછી 26 મે 2014ના રોજ તેઓ મોદી સરકારમાં લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી બન્યા. 12 જુલાઈ 2016 ના રોજ નજમા હેપતુલ્લાના રાજીનામા પછી તેમને લઘુમતી બાબતોના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો મળ્યો. 30 મે 2019ના રોજ મોદી કેબિનેટમાં જોડાયા અને લઘુમતી બાબતોનું મંત્રાલય રહ્યું.

(6:41 pm IST)