Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

અગ્નિપથ દેશને આંતકવાદ તરફ લઈ જનારી યોજના

રાજસ્થાનના રેવન્યુ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન : નપપૂર શર્માએ નિવેદન ન આપ્યું હોત તો આજે કનૈયાલાલ જીવતા હોત : રાજસ્થાનના રેવન્યુ મંત્રી રામલાલ જાટ

જયપુર, તા.૬ : રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારમાં રેવન્યુ મંત્રી રામલાલ જાટે કેન્દ્રની અગ્નિપથ યોજનાને દેશને આતંકવાદ તરફ લઈ જનારી ગણાવી છે. આ સાથે જ તેમણે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની કથિત ટિપ્પણીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો નુપુર શર્મા નિવેદન ન આપેત તો આજે કન્હૈયાલાલ જીવતા હોત.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન રામલાલ જાટે અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અગ્નિપથ યોજનાથી 'પ્રશિક્ષિત આતંકવાદીઓ' પેદા થશે. તેમણે પોતાના આ દાવા અંગે દલીલ કરતા કહ્યું હતું કે, પેન્શન અને જોબ સિક્યોરિટી વગર યુવાનો બદમાશ થઈ જશે.

તેમણે પત્રકારોને એવો સવાલ કર્યો હતો કે, 'એક વર્ષ માટે ધારાસભ્ય કે સાંસદ બને એમને પેન્શન મળે છે તો અગ્નિવીરોને શા માટે નહીં આપવામાં આવે. તમે યુવાનોને ૫ વર્ષ, ૪ વર્ષ, ૩ વર્ષ માટે નોકરી આપી રહ્યા છો. કમસેકમ તેમને પેન્શન તો આપો. તમે દેશને પ્રશિક્ષિત આતંકવાદીઓ તરફ ધકેલી રહ્યા છો.'

મંત્રીએ જણાવ્યું કે, 'આગામી સમયમાં દેશના યુવાનો સમજશે. વિપક્ષ દરેક પ્લેટફોર્મ પર આ સ્કીમનો વિરોધ કરશે. રાહુલ ગાંધી દ્વારા જે મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે તેને સમર્થન આપીને અમે દેશને જગાડીશું.'

રામલાલે કન્હૈયાલાલની હત્યા માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા નુપુર શર્માને જવાબદાર ગણાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે જો નુપુર શર્માએ વિવાદિત નિવેદન ન આપ્યું હોત તો કન્હૈયાલાલ જીવતા હોત. આ સાથે જ તેમણે ભાજપના નેતા મુઘલો અને અંગ્રેજોની માફક વ્યવહાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જે લોકો ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાનું કામ કરે છે તેમને ફાંસીની સજા આપવા પણ જણાવ્યું હતું.

(8:12 pm IST)