Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વિમાનમાં ખામીની ઘટનાઓ સંદર્ભે સ્પાઈસજેટને ડીજીસીએની નોટિસ

છેલ્લા ૧૮ દિવસમાં સ્પીસજેટના વિમાનોમાં ખામીની આઠમી ઘટના : સ્પાઈસજેટના વિમાનમાં વધુ એક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, ચીનના ચોંગક્વિંગ જઈ રહેલું કંપનીનું માલવાહક વિમાન કોલકાતા પરત ફર્યું

નવી દિલ્હી, તા.૬ : સ્પાઈસજેટ કંપનીના વિમાનોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ટેક્નિકલ ખામીઓ નોંધાઈ રહી છે. મંગળવારે એક સાથે ૨ ટેક્નિકલ ખામીઓના સમાચાર સામે આવ્યા બાદ બુધવારના રોજ કંપનીના શેરની કિંમતોમાં ભારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન જ સ્પાઈસજેટના વિમાનમાં વધુ એક ટેક્નિકલ ખામી જોવા મળી છે.

ચીનના ચોંગક્વિંગ જઈ રહેલું કંપનીનું માલવાહક વિમાન મંગળવારે કોલકાતા પરત ફર્યું હતું. હકીકતે ઉડાન બાદ વિમાનના પાયલોટ્સને એવી શંકા જાગી હતી કે, વિમાનનું હવામાન દર્શાવતું રડાર યોગ્ય રીતે કામ નથી આપી રહ્યું. છેલ્લા ૧૮ દિવસોમાં સ્પાઈસજેટના વિમાનોમાં ટેક્નિકલ સમસ્યાની તે ૮મી ઘટના હતી.

ડીજીસીએએ છેલ્લા ૧૮ દિવસોમાં ટેક્નિકલ સમસ્યાની ૮ ઘટનાઓ નોંધાયા બાદ સ્પાઈસજેટને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ એરલાઈન વિમાન નિયમ, ૧૯૩૭ મુજબ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવા સુનિશ્ચિત કરવામાં અસફળ રહી છે. સ્પાઈસજેટના સપ્ટેમ્બર ૨૦૨૧ના ઓડિટમાં ડીજીસીએને એવું જાણવા મળ્યું હતું કે, સ્પેરપાર્ટ્સના સપ્લાયની નિયમિત ચુકવણી ન થઈ રહી હોવાના કારણે સ્પેરપાર્ટ્સની તંગી વર્તાઈ રહી છે.

(8:14 pm IST)