Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઈન્ડિયન કોસ્ટગાર્ડનું દિલધડક ઓપરેશન : પોરબંદરથી UAE જતો જહાજ ડૂબવા લાગતાં કોસ્ટગાર્ડે લોકોનું ફિલ્મી ઢબે રેસક્યું કર્યું

2 ALH ધ્રુવ હેલિકોપ્ટરથી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી MT ગ્લોબલ કિંગ જહાજનાં 22 ક્રુ મેમ્બરને બચવાયા

નવી  દિલ્લી તા. 06 : ભારતીય કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરીને લઈ તેમના સર્વે ભરપૂર વખાણ કરવામાં આવી રહ્યા છે. જેમાં જવાનો દ્વારા પોરબંદરથી 180 કિલોમીટર દૂર દરિયામાં ડૂબી રહેલા જહાજમાં ફસાયેલ 22 ક્રુ મેમ્બરનો જીવ બચાવવામાં આવ્યો છે. જેમાં મધદરિયે કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો સામે આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર MT ગ્લોબલ કિંગ જહાજ પોરબંદરથી UAE જઈ રહ્યું હતું. તે દરમિયાન પોરબંદરથી 180 કિલોમિટરના અંતરે આ જહાજ દરિયામાં ડૂબવાની સ્થિતિમાં આવી ગયું હતું. જેને પગલે જહાજમાં સવાર લોકોએ મદદ માટે સંદેશો મોકલાયો હતો. આ અંગે જાણ થતાં જ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અંગે મીડિયા સાથે વાત કરતાં સાઉથ વેસ્ટ કમાન્ડ કોસ્ટગાર્ડના IG અનિલકુમાર હરબોલાએ જણાવ્યું હતું કે, અમને સવારે આ વિશે માહિતી મળી હતી. MT ગ્લોબલ કિંગ શીપ પોરબંદરથી UAE જઈ રહી હતી. જેમાં 20 ભારતીયો અને 2 વિદેશી નાગરિકો સહિત 22 લોકો સવાર હતા. ત્યારે મધદરિયે આ જહાજ ડૂબવાની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે આ માહિતી મળી ત્યારે વાતાવરણ પણ ખરાબ હતું અને જહાજ પોરબંદરથી 180 કિમી દૂર હતું. પરંતુ જહાજમાં સવાર 22 લોકોના જીવનો સવાલ હોવાથી અમે રિસ્ક લીધુ અને 2 ALH ધ્રુવ હેલિકોપ્ટરને રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 2 ALH ધ્રુવ હેલિકોપ્ટરની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં જહાજમાં સવાર 22 ક્રુ મેમ્બરનો જીવ બચાવ્યો છે. એટલું જ નહીં દરિયામાં ડૂબતા જહાજને પણ કોસ્ટગાર્ડે બચાવ્યુ છે. નોંધનીય છે કે આ જહાજમાં 6 હજાર ટન ઓઈલ પણ ભરેલું હતું.

(8:21 pm IST)