Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

આવતા વર્ષે ૬ રાજ્યોમાં છે વિધાનસભાની ચૂંટણી

કયાંક ગુજરાત અને ગોવામાં રાજકીય ખેલ ઉંધો પડી ન જાય ! અત્યારથી ભાજપ મેળવે છે આંતરિક રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૬ : આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીમાં લાગેલ ભાજપા પોતાની સત્તાવાળા બે રાજ્યો ગુજરાત અને ગોવા બાબતે પણ સંપૂર્ણ સતર્કતા રાખી રહીછે. ગોવામાં વર્ષની શરૂઆતમાં અને ગુજરાતમાં વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. પક્ષે અત્યારથી જ બન્ને રાજ્યોના આંતરિક રિપોર્ટ મંગાવવાના શરૂ કરી દીધા છે. ભાજપા પ્રમુખ જે.પી.નડ્ડાએ થોડા દિવસો પહેલા ગોવાનો પ્રવાસ પણ કર્યો હતો અને જમીની સ્થિતીની માહિતી મેળવી હતી.

આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીઓમાં યુપી મોટુ રાજ્ય હોવાથી બધાનું ધ્યાન તેના પર છે પણ અન્ય ચૂંટણીવાળા રાજ્યો પણ તેની રણનીતિમાં સામેલ છે. તેમાં પણ તેની સત્તાવાળા રાજ્યો પર ખાસ ધ્યાન અપાઇ રહ્યું છે. ગોવા વિધાનસભાની ચૂંટણી યુપી, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુરની આવતા વર્ષની શરૂઆતમાં જ થવાની છે. નાનુ રાજ્ય હોવા છતાં ગોવાનું રાજકીય મહત્વ ઘણુ વધારે છે. કેમ કે ત્યાં રાજકીય ઉઠાપટક વધારે થાય છે.

ભાજપાએ પોતાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતને જ ત્યાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજુ કરવાની તૈયારી કરી નાખી છે. નડ્ડાએ પોતાની હાલની ગોવાની મુલાકાતમાં આના સંકેત પણ આપ્યા હતા. જો કે રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણે પણ દાવેદારી કરી રહ્યા છે. વિશ્વજીત રાણે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રતાપસિંહ રાણેના પુત્ર છે.

ગુજરાત વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિતશાહનું ગૃહરાજ્ય છે એટલે અહીંનુ રાજકારણ આ બન્ને નેતાઓની આસપાસ જ રહે છે. એટલે અહીં મુખ્યપ્રધાનના ચહેરા બાબતે બહુ સમસ્યા નથી આવતી વર્તમાન મુખ્યપ્રધાન રૂપાણી ચૂંટણીમાં હશે કે નહીં હોય તેનું બહુ મહત્વ નહીં રહે. જો કે ચર્ચા એવી છે કે પક્ષ અહીં રૂપાણીના નેતૃત્વમાં તો જશે પણ આસામની જેમ તેમને ભાવિ ચહેરા તરીકે જાહેર નહીં કરે. તેનું કારણ રાજ્યના સામાજીક સમીકરણ પણ છે. ગુજરાતમાં ભાજપાને મુખ્ય પડકાર કોંગ્રેસ તરફથી મળી રહ્યો છે. પણ અહેમદ પટેલના નિધન પછી અહીં કોંગ્રેસ થોડી નબળી પડી છે. ગોવા અને ગુજરાત બન્ને રાજ્યોમાં આપ એ પગપેસારો કર્યો છે. પણ ચુંટણીમાં તેની કેટલી અસર થશે તે નક્કી નથી.

(10:08 am IST)