Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કારોની કિંમતમાં ભારે વધારો થવાની શકયતા

નીતિન ગડકરીએ ઓટો કંપનીઓને કોરોના બધા વેરિયેન્ટ અને સેગમેન્ટમાં મિનિમમ છ એરબેગ લગાવવાની અપીલ કરી છે

નવી દિલ્હી,તા. ૬ : કેન્દ્રીય ટ્રાન્સપોર્ટપ્રધાન નીતિન ગડકરીએ ઓટો કંપનીઓને કોરોના બધા વેરિયેન્ટ અને સેગમેન્ટમાં મિનિમમ છ એરબેગ લગાવવાની અપીલ કરી છે. ગડકરીની આ અપીલનો લાભ કાર ચલાવતા લોકોને મળશે. એરબેગની સંખ્યા વધવાથી કારમાં બેઠેલા લોકોને સુરક્ષિત રાખ શકાશે. અને ગંભીર ઇજા થવાની શકયતા ઘણી ઓછી કરી શકાશે. હાલના સમયે કારની અંદર આગળની બાજુ એરબેગ હોવી ફરજિયાત છે. જો કાર કંપનીઓ કારોમાં છ એરબેગ્સ ફરજિયાત પણે મુકશે તો એનાથી કિંમતમાં ઘણો વધારો થશે.

એરબેગ જોવામાં ભલે નાની હોય પણ કારો એની સંખ્યા વધવાની સાથે એની કિંમતમાં વધારો થશે. કાર ઉત્પાદક કંપનીની એરબેગની કિંમત અલગ અલગ હોય છે. એ કિંમત રૂ. ૧૦,૦૦૦થી માંડીને રૂ. ૨૫,૦૦૦ સુધી થઇ શકે છે. જો કારોમાં છ એરબેગ્સ લગાવવાનું ફરજિયાત થાય છે તો એનાથી કારની કિંમતમાં સીધા રૂ. એક લાખથી વધુનો વધારો સંભવ છે.

કારોમાં છ એરબેગ્સ ફરજિયાત થાય છે તો ઇચ્છા ન હોવા છતાં નવી કારોની વધેલી કિંમતોએ ખરીદવા પડશે. હાલના સમયમાં કારના વેરિયેન્ટને હિસાબે એમાં એરબેગ ઓફર કરવામાં આવે છે. આવામાં ગ્રાહક પોતાની પસંદ અને બજેટને હિસાબે કારના વેરિયેન્ટ પસંદ કરે છે એનાથી તેઓ પોતાના બજેટમાં કાર ખરીદી શકે.

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટપ્રધાને હાલ તો કાર કંપનીઓને અરજ કરી છે. આ નિયમ લાગુ થવાથી હજી કેટલો સમય લાગશે. એ વિશે માહિતી નથી મળી. એપ્રિલ, ૨૦૨૧થી કાર કંપનીઓને નવી કારોમાં ડયુઅલ એરબેગ આપવી ફરજિયાત છે. જ્યારે જૂની કારોમાં ડ્યુઅલ એરબેગ લગાવવાની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધી વધારવામાં આવી છે.

(10:11 am IST)