Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

વ્યાજદરો યથાવતઃ ઈએમઆઈ નહિ ઘટેઃ મોંઘવારી અંગે ચિંતા

રીઝર્વ બેન્કે જાહેર કરી ક્રેડીટ પોલીસીઃ રેપો રેટ ૪ ટકા અને રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા યથાવત રહેશે : રીઝર્વ બેન્કે જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૯.૫ ટકા યથાવત રાખ્યોઃ સીપીઆઈ આધારિત ફુગાવાનો અંદાજ ૫.૧ ટકાથી વધારી ૫.૭ ટકા કર્યો

નવી દિલ્હી, તા. ૬ :. ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શશીકાંત દાસે આજે ક્રેડીટ પોલીસી જાહેર કરતા તમામ વ્યાજદરો યથાવત રાખ્યા છે. રેપો રેટ અને રીવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહી કરતા આમ આદમીએ સસ્તા ઈએમઆઈ માટે રાહ જોવી પડશે.

૪ ઓગષ્ટે શરૂ થયેલ રીઝર્વ બેન્કની નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઈ છે. કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ અને મે મહિના દરમિયાન દેશના અનેક ભાગોમાં મુકવામા આવેલા પ્રતિબંધોને કારણે અર્થતંત્ર ઉપર અસર થઈ હતી. હવે ત્રીજી લહેરની આશંકા વચ્ચે આ બેઠક યોજવામાં આવી હતી.

રીઝર્વ બેન્કે રેપો રેટ ૪ ટકા અને રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. જો કે રીઝર્વ બેન્કે મોંઘવારી અંગે ચિંતા વ્યકત કરી છે અને સીપીઆઈ આધારીત ફુગાવાના દરનો અંદાજ ૫.૧ ટકાથી વધારી ૫.૭ ટકા જાહેર કર્યો છે. એટલુ જ નહિ રીઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે જીડીપી ગ્રોથ રેટ પણ ૯.૫ ટકા યથાવત રાખ્યો છે.

રીઝર્વ બેન્કે જણાવ્યુ છે કે વેકસીનેશન જેમ જેમ વધતુ જશે તેમ તેમ અર્થતંત્રમાં પણ સુધારો આવતો રહેશે અને ડીમાન્ડ પણ વધવા લાગશે.

(11:08 am IST)