Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ખાવ અને ભણો

મધ્યાહ્ન ભોજન પહેલા શાળાઓમાં હવે નાસ્તો પણ મળશે

બધા વિદ્યાર્થીઓના હેલ્થ કાર્ડ બનશે : મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ કેજીના બાળકોને પણ મળશે ભોજન

નવી દિલ્હી તા. ૬ : સારા અને ગુણવત્તા યુકત શિક્ષણની સાથે સરકાર હવે શાળાના બાળકોની તંદુરસ્તીનું પણ ધ્યાન રાખશે. આની તૈયારીઓ ઝડપભેર શરૂ થઇ ગઇ છે. તેના હેઠળ શાળાઓમાં ભણતા બાળકોનું હેલ્થ કાર્ડ તૈયાર થશે. સાથે જ તેમને મધ્યાહ્ન ભોજનની સાથે સવારનો નાસ્તો પણ આપવામાં આવશે. અત્યારે શાળામાં ભણતા બાળકોને ફકત મધ્યાહ્ન ાભોજન જ અપાય છે. જો કે સવારનો નાસ્તો આપવાની શરૂઆત અત્યારે કુપોષણથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ થશે. સરકારે આ પહેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)ની ભલામણો પછી કરી છે. જેમાં એવું કહેવાયું છે કે કેટલાય અભ્યાસોથી એ સ્પષ્ટ થયું છે કે સવારના પૌષ્ટીક નાસ્તા પછી થોડાક કલાકોમાં કેટલાય અઘરા વિષયોનો અભ્યાસ અસરકારક થાય છે. આ દરમિયાન ભણેલા વિષય જલ્દી યાદ રહી જાય છે.

નીતિના અમલમાં ઝડપભેર લાગેલા શિક્ષણ મંત્રાલયે જે યોજના બનાવી છે તેમાં આ નાસ્તો શાળાના રસોડામાં નહી બને, આ નાસ્તો સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓ અથવા મહિલા સંગઠનોની મદદથી તૈયાર કરાવવામાં આવશે. આ પેકડ ફૂડ પોષણથી ભરપૂર હશે. આ અંગે રાજ્યો પાસેથી સૂચનો મંગાવાયા છે. શિક્ષણ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો હેલ્થ કાર્ડ અને નાસ્તાની યોજનાની સાથે મધ્યાહ્ન ભોજનની યોજનાના વિસ્તરણની પણ તૈયારી છે. હવે તેમાં પ્રી-પ્રાઇમરી અથવા બાળ મંદિરના બાળકોનો પણ સમાવેશ થશે. અત્યારે આ યોજનામાં પહેલાથી આઠમાં ધોરણના બાળકોનો સમાવેશ છે. સૂત્રો અનુસાર મંત્રાલયે આ બધુ ઝડપભેર લાગુ કરવાની તૈયારીઓ પુરી કરી લીધી છે અને તેની જાહેરાત ટુંક સમયમાં થઇ શકે છે. હેલ્થ કાર્ડમાં બાળકોની આરોગ્ય વિષયક માહિતીની સાથે રસીકરણનું પણ સંપૂર્ણ વિવરણ હશે.

આ યોજના શરૂ થશે તો તેનો લાભ દેશના લગભગ ૧૨ લાખ બાળકોને મળશે. જો કે તેની શરૂઆત અત્યારે ફકત કુપોષણની અસરવાળા જિલ્લામાં જ થવાની છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં હાલમાં કુપોષણથી પ્રભાવિત લગભગ ૧૧૩ જિલ્લાઓ છે. તેમાંથી મોટાભાગના આદિવાસી વિસ્તારના છે. આમ પણ સરકારે આ બધા જિલ્લાઓને ૨૦૨૨ સુધીમાં કુપોષણ મુકત કરવાનું લક્ષ્ય રાખેલ છે.

(11:09 am IST)