Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ખૂબ લડી મર્દાની... બ્રોન્ઝથી ચુકી ગઈ મહિલા ટીમ

મહિલા હોકીમાં ભારતનો ગ્રેટ બ્રિટન સામે ૪-૩થી પરાજય : એક તબકકે ભારતીય ટીમ ખાસ્સી એવી લીડ મેળવી લીધી હતી, ત્રીજા કવાર્ટરમાં બ્રિટનની ટીમ આક્રમક રમત રમી

નવીદિલ્હીઃ મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને ૪-૩થી હરાવ્યું છે. ભારતીય મહિલા ટીમે મજબૂત મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું અને બીજા કવાર્ટરમાં ૩-૨ની લીડ મેળવી હતી. જો કે, ટીમ આ લીડ જાળવી શકી ન હતી અને બ્રિટને ત્રીજા અને ચોથા કવાર્ટરમાં ૧૫ મિનિટની અંદર ૨ ગોલ કરીને મેચ ૪-૩થી જીતી લીધી.

ભારતીય મહિલા હોકી ટીમ અને ગ્રેટ બ્રિટન બ્રોન્ઝ મેડલ મેચમાં ૨-૦થી પછડાયા બાદ ભારતીય ટીમે બીજા કવાર્ટરમાં અને ૪ મિનિટમાં જબરદસ્ત વાપસી કરી હતી અને ૪ મિનિટની અંદર ૩ ગોલ કર્યા. ગુરજિત કૌરે ૨૫મી અને ૨૬મી મિનિટમાં ગોલ કરીને પ્રથમ સ્કોરને ૨-૨થી બરાબરી કરી હતી. આ પછી વંદના કટારિયાએ ૨૯મી મિનિટમાં ગોલ કરીને ટીમ ઇન્ડિયાને લીડ અપાવી હતી. ત્યાર બાદ ત્રીજા કવાર્ટરમાં બ્રિટનના પિયર્ને વેબએ ૩૫મી મિનિટે ગોલ કરીને સ્કોર ૩-૩થી બરાબર કરી દીધો.

પહેલા કવાર્ટરમાં બંને ટીમોએ આક્રમક હોકી રમી હતી. ગ્રેટ બ્રિટને મેચની બીજી મિનિટમાં પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો. ભારતની ગોલકીપર સવિતા પૂનિયાએ તેનો સારી રીતે બચાવ કર્યો. બ્રિટને ૧૦મી મિનિટમાં બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. ભારતે બ્રિટનના આ પેનલ્ટી કોર્નરને પણ નિષ્ફળ બનાવ્યો હતો. ગોલકીપર સવિતા પૂનિયાએ ફરી શાનદાર બચાવ કર્યો હતો.

પ્રથમ કવાર્ટરમાં બ્રિટનને બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાએ બંને પેનલ્ટી કોર્નર નિષ્ફળ બનાવ્યા હતા. બીજા કવાર્ટરમાં બ્રિટનની એલી રિયરે ૧૬મી મિનિટે અને સારા રોબર્ટસને ૨૪મી મિનિટમાં ગોલ કરીને બ્રિટનને લીડ અપાવી હતી.

જ્યારે પ્રથમ કવાર્ટરમાં બ્રિટનન હાવી રહ્યું હતું, જ્યારે બીજા કવાર્ટરમાં ટીમ ઇન્ડિયા હાવી રહી. તેણે આ કવાર્ટરમાં ત્રણ ગોલ કર્યા અને બ્રિટન પર ૩-૨ની લીડ મેળવી. બ્રિટન તરફથી એલી રાયરે ૧૬મી મિનિટે અને સારા રોબર્ટસને ૨૪મી મિનિટે ગોલ કરીને બ્રિટનને લીડ અપાવી હતી. આ પછી ભારતે ૩ ગોલ કર્યા હતા.

ત્રીજા કવાર્ટરમાં પણ બ્રિટને આક્રમક શરૂઆત કરી. તેણે ૩૨મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. ભારતીય ડિફેન્ડર મોનિકાએ તેના પર શાનદાર બચાવ કર્યો હતો. આ પછી બ્રિટનના વેબે સ્કોરને ૩-૩ની બરાબર કર્યો હતો. ત્રીજા કવાર્ટરમાં ભારતને પેનલ્ટી કોર્નર પણ મળ્યો, પરંતુ ગુરજિત કૌર તેના પર ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી.

(11:13 am IST)