Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

GST આધાર અને પાન લિંક હશે તો પણ સ્થળ તપાસ કરવા આદેશ

બોગસ બીલિંગ અટકાવવા માટે જીએસટીની વધુ એક કવાયત : આવા કિસ્સામાં અત્યાર સુધી સ્થળ તપાસ વિના જ નંબર આપી દેવાતો હતો

નવી દિલ્હી, તા.૬: આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક હોય તેવા કિસ્સામાં સાત દિવસમાં જીએસટી નંબરની ફાળવણી કરી દેવામાં આવતી હતી. તેમજ સ્થળ તપાસ પણ કરવામાં આવતી નહોતી. જયારે હવેથી નંબર આપી દીધો હોવા છતાં અચાનક સ્થળ તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. કારણ કે બોગસ બિલીંગ કરનારાઓ સિસ્ટમની આવી ખામીઓનો ભરપુર લાભ લેતા હોવાનો સ્ટેટ જીએસટીના અધિકારીઓને અનુભવ થતા આ નિર્ણય કરાયો છે.

બોગસ બિલીંગના કેસ પકડાયા બાદ કેવા પ્રકારની મોડસ ઓપરેન્ડી કરવામાં આવતી હોય છે. તેવા તમામ પાંસાઓનો સતત અભ્યાસ કરવામાં આવતો હોય છે. આ અભ્યાસ બાદ દર વખતે અધિકારીઓ દ્વારા અલગ અલગ પ્રકારની રણનિતી તેયાર કરીને બોગસ બિલીંગને અટકાવવાના પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. જેથી હવે સ્ટેટ જીએસટીના અધિકારીઓને આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક હોય તેવી ફર્મના સ્થળની અચાનક તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે. કારણ કે આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક હોય તેવા કિસ્સામાં સાત દિવસની અંદર જ નવો જીએસટી નંબર આપી દેવામાં આવતો હોય છે. તેમજ તેની સ્થળ તપાસ પણ કરવામાં આવતી નથી. જયારે હાલમાં ઝડપાયેલા બોગસ બિલીંગના કેસમાં આજ નિયમનો લાભ લઇને જીએસટી નંબર લેવામાં આવ્યો હોવાથી સ્થળ તપાસ ફરજીયાત કરવાનો આદેશ કરાયો છે. જેથી આગામી દિવસોમાં અધિકારીઓ દ્વારા જીએસટી નંબર આપતા પહેલા તમામ પાંસાઓની પુરતી ચકાસણી કર્યા બાદ જ નંબરની ફાળવણી થવાની શકયતા રહેલી છે. જોકે, બોગસ બિલિંગ અટકાવવા માટે સમયાંતરે અધિકારીઓ દ્વારા નવી નવી રણનીતિઓ અપનાવવામાં આવતી હોવા છતાં કૌભાંડીઓ તેમાંથી પણ રસ્તો શોધી જ કાઢતા હોય છે, જેથી બોગસ બીલિંગનું નેટવર્કનું જાળ વધુને વધુ ફેલાતું જાય છે.

  • પ્રામાણિક વેપારીને પરેશાની નહીં થાય તેની તકેદારી રાખવી જરૂરી

બોગસ બિલીંગ અટકાવવા માટેના દર વખતે અલગ અલગ નિયમ લાગુ કરવામાં આવતા હોય છે. તેના કારણે જે વેપારીઓ પ્રામાણિક રીતે વેપાર કરવા માંગતા હોય તેને પણ પરેશાની વેઠવી પડતી હોય છે. જેથી અધિકારીઓ દ્વારા પણ આવા વેપારીઓને એક જ નજરથી જોવામાં આવે તે પણ યોગ્ય નથી. પાવન શાહ (ટેકસ કન્સલટન્ટ)

(12:02 pm IST)