Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મેવાડની રક્ષા કરે છે પ્રભુ એકલિંગનાથજી

આ મંદિરનું બાંધકામ ગોહિલ વંશજોએ ઈ.સ. ૯૭૧માં શરૂ કર્યું હતું : મંદિર આશરે ૨૫૦૦ ચોરસ ફીટના વિસ્તારમાં પથરાયેલું છે : અહિં ચાર મુખોની વચ્ચે શિવલિંગ છે : શિવલિંગની ઉપરની સપાટ ટોચ પર એક યંત્ર, એક ગૂઢ સાંકેતિક ચિત્ર આવરી લેવામાં આવ્યા છે જયાં દરરોજ રાજોપચાર તેમજ શોડષોપચાર પૂજન કરવામાં આવે છે : અમદાવાદના સારંગપુર વિસ્તારની કોકડિયાની પોળમાં પણ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની જ્ઞાતિનું એકલિંગજી ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે

મંદિરના ગર્ભગૃહમાં મધ્યે કાળા આરસનું બનેલું ભગવાન એકલિંગજીનું શિવલિંગ વિશાળ થાળામાં બિરાજે છે. : ભગવાન શંકરનાં જ એક સ્વરૂપ એવા એકલિંગજીને અધિષ્ઠાતા દેવ તરીકે રાખીને તેમનાં આ મંદિરનું બાંધકામ ગોહિલ વંશજોએ ઈ.સ. ૯૭૧માં શરૂ કર્યું હતું. આ મંદિર આશરે ૨૫૦૦ ચોરસ ફીટના વિસ્તારમાં પથરાયેલું છે. તેની ઊંચાઇ ૬૫ ફૂટ છે. દર સોમવારે ઉદયપુરના મહારાજા મંદિરે દર્શન કરવા આવે છે. મંદિરના ગર્ભગૃહમાં મેવાડના મહારાજા તેમજ પૂજારી સિવાય કોઇ પ્રવેશ કરી શકતું નથી. સુંદર નકશીકામ કરેલાં કુલ ૧૦૮ મંદિરો આ મંદિર સંકુલમાં બનાવાયા છે. મુખ્ય મંદિર, કે જેમાં ભગવાન એકલિંગજી બિરાજે છે તે પાછળથી ૧૫મી સદીમાં નિર્માણ પામેલું છે.

ન તીર્થે નં તપોદાનૈનં, યજ્ઞૌર્બબિસ્તરૈ । યત્ફલં પ્રાપ્યતે બ્રહ્મન્નેકલિંગાવ લોકનાંત્ ।।

 'જે ફળ ભગવાન એકલિંગજી ના માત્ર દર્શન કરવાથી મળે છે એ તીર્થયાત્રા, તપ, દાન કે મોટા યજ્ઞો કરવાથી પણ મળતું નથી.!'

આગામી તા.૯ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ભગવાન ભોળાનાથની પૂજાનો, શુભફળ પ્રાપ્તિનો, મનોકામના પૂર્ણ કરવાનો આ મહિનો છે. ભગવાન શિવ અનેક નામે શિવલિંગ રૂપે પૂજાય છે ત્યારે અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે ઘેરાયેલ ખીણમાં અરણ્યના અદભૂત સૌન્દર્યથી મઢેલા રાજસ્થાનના ઉદયપુર નગરની ઉત્તર દિશામાં લગભગ ૨૩ કિ.મી.ના અંતરે આવેલ ભગવાન શિવનું પવિત્રધામ કૈલાશપુરીમાં બિરાજમાન ભગવાન એકલિંગનાથજી કે જેઓ જાણિતા વીર શિરોમણી મેવાડના મહારાણાઓ ઉપરાંત મેવાડથી ગુજરાત આવી વસેલા ભટ્ટ મેવાડા અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો તેમજ બીજી અનેક જ્ઞાતિઓના આરાધ્ય દેવ છે તેમનો ઇતિહાસ જાણવો ખુબજ રોચક બની રહેશે.

એકલિંગજી ભગવાન શિવનું એક નામ છે. એકલિંગજી મેવાડ રાજના શાસક દેવ છે અને મેવાડના રાજવી મહારાણાઓ તેમના દિવાન તરીકે નિયુકત થયા હોય તેવા ભાવથી રાજ કરતા આવ્યા છે. એકલિંગજીનું પ્રખ્યાત મંદિર ભારતનાં પશ્યિમ ભાગમાં આવેલાં રાજસ્થાન રાજયનાં ઉદયપુર જિલ્લામાં આવેલું હિંદુ મંદિર સંકુલ છે. આ ઉપરાંત ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા અને અન્ય મેવાડા બ્રાહ્મણોના પણ તે ઇષ્ટદેવ છે. અમદાવાદના સારંગપુર વિસ્તારની કોકડિયાની પોળમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણોની જ્ઞાતિનું એકલિંગજી ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ જય એકલિંગના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે. માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના રણવીરોના બાવડામાં અદમ્ય તાકાતનો સ્ત્રોત ફુટી નીકળતો. પરંપરાગત રીતે રાજપૂતો, ગુર્જરો, જાટ, મીણા, ભીલો, રાજપુરોહીતો, ચારણો, યાદવો, બિશ્નોઇઓ, મેઘવાળો, સેરમલ, રાજપૂત માળીઓ, સૈનીઓ અને અન્ય જાતિઓએ રાજસ્થાન રાજયની રચનામાં મહાન ફાળો આપ્યો હતો. આ બધી જ્ઞાતિઓને તેમની સંસ્કૃતિ અને જમીનના રક્ષણ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની ભૂમિને બચાવવા માટે હજારો લોકો માર્યા ગયા હતા. ભગવાન એકલિંગજી એ મેવાડ ની રક્ષા કરતા રાજસ્થાનના રાજપુતોના આરાધ્ય દેવ છે.

અહિં જગતનાથ એવા ભગવાન શંકર લિંગ સ્વરૂપે બિરાજમાન છે. ખાસ વાત તો એ છે કે, મેવાડ સહિતના ઘણા રાજાઓ પોતાને માત્ર ભગવાન એકલિંગજીના પ્રતિનિધી જ માનતા. તેઓ કહેતા કે પોતે એમના દાસ છે અને મહારાજધિરાજ તો ભગવાન એકલિંગજી છે. પોતે માત્ર એમના ચીઠ્ઠીના ચાકર છે. ત્યાં સુધી કે ઉદયપુરના રાજવીને રાજા નહિ પ્રધાન કહેવાય છે. જેવી રીતે દક્ષિણ ભારતના ત્રાવણકોરમાં હતું તેજ રીતે અહિં પણ રાજા તો પહાડીઓની મધ્યે બિરાજતા એકલિંગજી જ ગણાય છે. આખા ભારતમાં ફકત મેવાડમાં રાજ પરંપરા આ પ્રકારની છે. તેથી અહીંના બધા મહારાણાઓ શિવરાત્રી અને બીજા મોટા તહેવારોમાં પોતાના ઇષ્ટદેવનાં દર્શન કરવા આવે છે. પોતાના કુળની મર્યાદા પ્રમાણે મહારાણા મંદિરના વિશેષ દરવાજે પહોંચે છે. સોનાની ધજા ધારણ કરી ચાંદીના દેગડાથી નજીકમાં આવેલ બાવડી (વાવ)થી પાણી ભરી લાવી જળધારા ચડાવી જાતે પૂજા કરે છે. કારણ કે મેવાડના ઇતિહાસની શરૂઆતથી જ ભગવાન એકલિંગજીને અહીંના આરાધ્ય દેવ મનાયા છે. અહીંના રાજયના સંસ્થાપક બપ્પા રાવલ હતા. જેમણે લગભગ ૧૪૦૦ વરસ પહેલા મેવાડ રાજયની સ્થાપના કરી હતી. તેમની વખતનો સોનાનો સિક્કો પણ મળ્યો છે જેનાથી આ વાત પુરવાર થાય છે.

ભગવાન શંકરનાં જ એક સ્વરૂપ એવા એકલિંગજીને અધિષ્ઠાતા દેવ તરીકે રાખીને તેમનાં આ મંદિરનું બાંધકામ ગોહિલ વંશજોએ ઈ.સ. ૯૭૧માં શરૂ કર્યું હતું. આ મંદિર આશરે ૨૫૦૦ ચોરસ ફીટના વિસ્તારમાં પથરાયેલું છે. તેની ઊંચાઇ ૬૫ ફૂટ છે. દર સોમવારે ઉદયપુરના મહારાજા મંદિરે દર્શન કરવા આવે છે. મંદિરના ગર્ભગૃહમાં મેવાડના મહારાજા તેમજ પૂજારી સિવાય કોઇ પ્રવેશ કરી શકતું નથી. સુંદર નકશીકામ કરેલાં કુલ ૧૦૮ મંદિરો આ મંદિર સંકુલમાં બનાવાયા છે. મુખ્ય મંદિર, કે જેમાં ભગવાન એકલિંગજી બિરાજે છે તે પાછળથી ૧૫મી સદીમાં નિર્માણ પામેલું છે. મંદિરનું બાંધકામ ગોહિલ વંશજોએ કરાવ્યું હતું જે પછીથી 'સિસોદિયા' કહેવાયા. આ મંદિર પહેલા નાશ પામેલા મંદિરનાં અવશેષોમાંથી મૂળ જગ્યાએ જ બનાવવામાં આવ્યું છે. ઊંચા કોટથી રક્ષાએલું આખું પરિસર આરસપહાણ અને ગ્રેનાઈટનાં પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે. મુખ્ય મંદિર વિશાળકાય બે મજલા ઊંચા સ્તંભોથી શોભતા મંડપ (મંદિરનો અંદરનો ભાગ) અને ખુબજ ઝીણી નકશીવાળા અતિભવ્ય શિખરથી શોભાયમાન છે. મંદિરના ગર્ભગૃહમાં મધ્યે કાળા આરસનું બનેલું ભગવાન એકલિંગજીનું શિવલિંગ વિશાળ થાળામાં બિરાજે છે. આ શિવલિંગ તેના પ્રકારનું એક વિશિષ્ટ શિવલિંગ છે, કેમકે તે ચાર દિશામાં ચાર મુખ ધરાવે છે. આખું મંદિર પરિસર મેવાડના રાજપરિવાર હસ્તક છે અને તેઓજ મંદિરના ટ્રસ્ટનાં મુખ્ય ટ્રસ્ટીઓ છે. મુળભૂત રીતે આ મંદિર રાજ પરિવારનું અંગત મંદિર છે જે જાહેર જનતાને માટે ખુલ્લું મુકવામાં આવેલું છે.

પરિસરમાં આવેલું અન્ય એક મંદિર છે 'લકુલીશ મંદિર' જે ૯૭૧ની સાલમાં બાંધવામાં આવ્યું હતું અને તે લકુલીશ સંપ્રદાયનું સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર છે. એના અંતિમ રાજા મહારાજા માર્તંડ વર્મા થોડાં વર્ષ પહેલાં ૨૦૧૧માં મૃત્યુ પામ્યાં અને એના જીવતા જ મંદિરમાં એ વખતની સરકારે તપાસ કરાવી હતી. જે ભોંયરાના દ્રવ્યને માર્તંડ વર્માએ કદિ હાથ નહોતો લગાવ્યો એના પર સરકારે કબજો કર્યો હતો. એવી પણ નોંધ છે કે જયારે ઇંદિરા ગાંધીએ બધા રાજાઓનું સરદાર પટેલે બાંધી આપેલ સલિયાણું નાબુદ કર્યું હતું ત્યારે આ મહારાજાએ ટ્રાવલેસનો ધંધો શરૂ કરેલો અને એ રૂપિયામાંથી એ વર્ષોથી ચાલી આવતી પ્રથા પ્રમાણે મંદિરમાં કાયમને માટે શ્રધ્ધાળુઓને ભોજન આપતા. મંદિરનું કામ હોવા છતાં એક પૈસો ખજાનામાંથી નહોતો લીધો એ માર્તંડ વર્મા એકદમ વૃધ્ધ ઉંમરે જયારે મંદિરના ખજાનામાં સરકારે હસ્તક્ષેપ કર્યો ત્યારે રોઇ પડ્યાં હતાં.!

એકલિંગજીના મહાત્મ્ય અંગે એવું કહેવાય છે કે, ભગવતી પાર્વતી એ એક વખત ઋષિ પત્નીઓના સંયમ જોઈ એમની કસોટી કરવાનું વિચાર્યું. આ વાત તેમણે શિવજીને કહી. એમની વાત માની મહાદેવ ઋષિ પત્નીઓની કસોટી કરવા નીકળી પડયા. શિવજીએ એક સુંદર યુવાનનું રૂપ ધારણ કર્યું અને જયાં ઋષિ પત્નીઓ તપસ્યા કરતી હતી ત્યાં ગયા. ઋષિ પત્નીઓનું મન ચલિત થયું અને એમની તપસ્યા તૂટી ગઇ. જયારે ઋષિઓને આ વાતની જાણ થઈ તો તેમને ખુબ ક્રોધ આવ્યો અને તેમણે શિવજીને શ્રાપ આપ્યો. જેના લીધે શિવજીની અધોગતિ પૃથ્વીલોકમાં થઈ. તેમણે પહેલા માધાન્તાની સુંદર નગરીમાં વાસ કર્યો. પછી મેવાડમાં અરવલ્લીની તળેટીમાં વાસ કર્યો. અહીં લિંગના રૂપમાં જુદા જુદા કાળખંડોમાં તેમની પૂજા થવા લાગી. તેમણે કેટલાક પાપોનું નિવારણ કર્યું અને મહર્ષિ હારિતની તપસ્યાથી પોતાના સ્વરૂપનું પ્રાગટય કર્યું. તેમના મહિમાથી મેવાડ અજય અભેદ રહ્યું છે. તેથી આ તીર્થ કૈલાસપુરી કહેવાયું છે. આ ગામને મંદિરોનું ગામ કહેવામાં આવે છે. કેમકે આખા ગામમાં કુલ મળી ૧૦૮ જેટલાં મંદિરો છે. જેમાં ગૌરીશંકર, પાર્વતી, ગણેશ, અંબાજી અને બીજા દેવી-દેવતાઓની પ્રતિમાઓને કારણે તે નામોથી જાણીતાં બન્યાં છે.

ઇતિહાસમાં એવું કહેવાયું છે કે ડુંગરપુર રાજયમાંથી મૂળ બાણલિંગને ઇન્દ્રસાગરમાં પ્રવાહિત કર્યા બાદ વર્તમાન ચતુર્મુખી લિંગની સ્થાપના કરવામાં આવી હતી. જોકે મેવાડના સ્થાપક બાપ્પા રાવલે ૮ મી સદીમાં આ મંદિરનું નિર્માણ કર્યું અને એકલિંગજીની મૂર્તિ સ્થાપિત કરી. બપ્પા રાવલના રાજયનો સમય એટલે કે વિક્રમ સંવત ૭૯૧ થી ૮૧૦ તે પ્રમાણે ઇ.સ. ૭૩૪ થી ૭૫૩ સુધીનો હોવાનો ઇતિહાસકારોનો મત છે. બાદમાં આ મંદિર તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. સમય સમય પર મહારાણા હમીર, મોકલ, મહારાણા કુંભા એ આ મંદિરનો જિર્ણોધાર કરાવ્યો અને છેલ્લે હાલનું મંદિર મહારાણા રાયમલે ૧૫ મી સદીમાં બનાવ્યું હતું.

ભગવાન એકલિંગનાથનું વર્તમાન મંદિર લગભગ ૫૦ ફૂટ ઉંચું છે. મંદિરનો વ્યાસ ૬૦ ફૂટ છે. દૂરથી દેખાતી તેની ટોચ સુંદર, સુદ્રઢ અને સફેદ પથ્થરની બનેલી છે. શરૂઆતમાં ભગવાન એકલિંગાકાર હતા. આજના સ્વરૂપને બનાવવાનું શ્રેય મહારાણા રાયમલને જાય છે. રાણા પથ્થરથી બનેલ ભગવાન એકલિંગજીનો શ્રીવિગ્રહ ચતુર્મુખી છે. એમનું પશ્યિમ મુખ બ્રહ્માનું, ઉત્તર મુખ વિષ્ણુનું, પૂર્વ મુખ સુર્યનું તથા દક્ષિણ મુખ રૂદ્ર માની પૂજા કરવામાં આવે છે. આ ચારેય મુખોની વચ્ચે શિવલિંગ છે. ચારેય મુખ બાજુ ચાર દ્વાર બનેલા છે. પૂર્વ દ્વાર પર પાર્વતીજીની મુર્તિની પાસે ગણપતિજી એની સામે દક્ષિણ દ્વાર પર ગંગાજીની મુર્તિની પાસે કાર્તિકેયજીની મુર્તિ છે. આ પ્રમાણે શિવજીનું આખું કુટુંબ મંદિરમાં બિરાજમાન છે. અંદરના ભાગમાં અજવાળું આવવા માટે પૂર્વ દ્વાર પર બહારની દિવાલો પર જાળીઓ બનેલી છે. જેની નીચે યમુનાજી અને સરસ્વતીજીની મુર્તિઓ પ્રસ્થાપિત કરેલી છે. નિજ મંદિરમાં ચાંદીના બારણાઓ પર વેલબુટ્ટા બનેલા છે. બારણાઓ ઉપર જ એકબાજુ સ્વામી કાર્તિકેયજી અને બીજી બાજુ ગણતપિજીની છબીઓ બનાવેલી છે. જે એમની પિતૃભકિતના સ્વરૂપને પ્રગટ કરે છે. મંદિરની બહાર પશ્ચિમ અને દક્ષિણ બાજુ કઠેડા લાગેલા છે. કઠેડાની આગળ પશ્ચિમમાં બધા મંડપ છે. જેમાં બેસીને લોકો દર્શન કરે છે. કઠેડાઓ અને ગર્ભગૃહ વચ્ચેના પ્રવેશદ્વાર પર હાલના શ્રીજી મેવાડ અરવિંદે દરવાજા પર ચાંદીની અસ્તર બનાવી છે. મુખ્ય મંદિરના કઠેડામાં સામાન્ય મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંડપની વચ્ચે ચાંદીનો નંદિકેશ્વર બનેલ છે. મંદિરના દક્ષિણ દ્વારની બહાર સામે તકતીમાં વિક્રમ સંવત ૧૫૪૫ (સ.ન.૧૪૮૮) ચૈત્ર શુકલ દસમીના ગુરૂવારની મહારાણા રાયમલના સમયની ૧૦૦ શ્લોકોની એક પ્રશસ્તિ લાગેલી છે. જેમાં મહારાણા હજારથી લઇ મહારાણા રાયમલ સુધીના મહારાણાઓના ઇતિહાસ અને મંદિર પ્રાચીન હોવાનું વર્ણન જણાવેલ છે. આ શિલાલેખ ખુબ મહત્વનો છે.

મુખ્ય મંદિરની પાછળ થોડીક ઉંચાઈ પર મંદિરોમાં વચ્ચે અંબાજી છે. તેની સંગેમરમરની મુર્તિ ખુબ સુંદર છે. તેની ડાબી બાજુ ગણપતિજીનું મંદિર છે. જે જમણી સુંઢવાળા ગણેશજીની મૂર્તિ સફેદ સંગેમરમરની બનેલી છે. તો જમણીબાજુ કાળકાજીનું મંદિર છે. દસ મુખોવાળી કાળકાજીની મુર્તિ કાળા સંગેમરમરથી બનેલી છે. મંદિરની સામે સફેદ સંગેમરમરથી બનેલા ઐરાવત હાથી અને ઇન્દ્ર બિરાજમાન છે. આ મંદિરની પાછળ થોડે દૂર પશ્ચિમમાં નાથીનું મંદિર છે. તેમાં લાગેલ પ્રશસ્તિના આધારે વિ.સ. ૧૦૨૮ (સન. ૯૭૧)માં મહારાણાના કુલગુરૂ હારિતવંશીઓએ બનાવેલ હોવાનું જણાય છે. મંદિરમાં લકુલીશ (શિવ)ની મનુષ્કાર મુર્તિ છે. જે દર્શાવે છે કે એકલિંગ પીઠના અધિકારી બધા પશુપત કુળને માનનારા 'શૈવ' છે. મુખ્યમંદિરની બહાર પાછળની બાજુએ તુલસી કુંડ અને કરજ કુંડ 'પાર્વતી કુંડ' નામે બે સુંદર કુંડ છે. બંને કુંડોથી થોડી ઉંચાઈએ ઉત્તર દિશામાં પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. કરજકુંડના દક્ષિણમાં મહારાણાના કુળ ગુરુઓની સમાધિઓ છે. જેમાં નાની-મોટી પાંચ છતરીઓ છે. અહીં વિક્રમ સંવત ૧૯૪૭ નો એક શિલાલેખ છે. જેમાં ગોસ્વામી વંશક્રમનું વર્ણન મળે છે. મુખ્ય મંદિરની જમણી બાજુ ગિરધર ગોપાલનું મંદિર આવેલ છે. જયાં મીરાં રહેલ હોવાની લોકવાયકાને લીધે મીરાંમંદિર નામે તે જાણીતું છે. અહીં એક કરમરિયાજીનું મંદિર પણ આવેલું છે.

આપણા ભારતવર્ષમાં શિવજીનાં બાર જયોતિર્લિંગોનો ખૂબ જ મહિમા છે પરંતુ કેટલાંક શિવલિંગો એવાં પણ છે જે આપણને જયોતિર્લિંગ જેટલું ફળ આપે છે. આ એકલિંગજીની વિશેષતા એ છે કે શિવલિંગની ઉપરની સપાટ ટોચ પર એક યંત્ર, એક ગૂઢ સાંકેતિક ચિત્ર આવરી લેવામાં આવ્યા છે જયાં દરરોજ રાજોપચાર તેમજ શોડષોપચાર પૂજન કરવામાં આવે છે. આ શિવલિંગમાં મંગળાનાં દર્શન સમયે શ્રીનાથજીનાં દર્શન આ એકલિંગજીમાં થાય છે.! સૌપ્રથમ એકલિંગજી દાદાને ભોગ ધરવામાં આવે છે ત્યારબાદ શ્રીનાથજીને ભોગ ધરાવાય છે. એકલિંગજી અનેક જ્ઞાતિઓના ઇષ્ટ દેવ તરીકે પૂજાય છે. દિવસમાં સોળવાર આરતી થાય છે. અહીં રાજવી ઠાઠમાઠથી પ્રભુ શિવની પૂજા થાય છે. એકલિંગજી દાદાને પાણી, દૂધ, અત્ત્।ર, કેસર, ચંદનથી સ્નાન કરાવ્યા બાદ તેમનો જે શૃંગાર થાય છે તે ખરેખર અદભૂત, નયનરમ્ય હોય છે. અહિં દરરોજ પંચવકત્ર પૂજન થાય છે. એકલિંગજીનાં દર્શનથી સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવોનાં દર્શન પ્રાપ્ત થાય છે. ભગવાન એકલિંગજીની પૂજા કર્યા પછી જ મેવાડનો કે રાજસ્થાનનો રાજપુત રણમેદાને પડતો. તેમના અનુષ્ઠાન માટે મોટા સભારંભો થતાં. મહારાણાઓએ અનેક પ્રતિજ્ઞાઓ ભગવાન એકલિંગજીને સાક્ષી માનીને લીધી હતી.

એકલિંગજી મુખ્યમંદિરની ચારેબાજુ સુરક્ષા માટે બનાવેલ કિલ્લો છે. નાથદ્વારા જવાના મુખ્ય રસ્તાની બાજુમાં જમણી તરફ મંદિરના કિલ્લાની બહાર પહાડની તળેટીમાં વિન્ધ્યવાસિની દેવીનું મંદિર છે. અરવલ્લીની ખીણમાં વિન્ધ્યાચલ પર વાસ કરનારી દેવીની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું શ્રેય યોગીરાજ હરિતને છે. તેમની ઉચ્ચ નિકિતના લીધે હારિત મુનિની ઉભેલી પથ્થરની મુર્તિ અહીં સ્થાપવામાં આવી છે. તેની પાસે પહાડમાં એક ગુફા છે. જે 'હારિત ગુફા' નામે જાણીતી છે. કૈલાસપુરી ખાતે એકલિંગજીના દર્શને આવતા પ્રવાસીઓ માટે ઇન્દ્ર સરોવર, અર્બુદા માતા, રાઠસણ દેવી, નાગાદ (નાગદા)સાસુ-વહુનું મંદિર તેમજ ખુમાણ રાવલનો દેવરા, અદબજીનું મંદિર, ખીમજી માતાનું મંદિર, બાધેલા તળાવ તક્ષક કુંડ, બપ્પા રાવલ અને ધારેશ્વર મહાદેવ જેવાં સ્થળો જોવા લાયક છે. ધારેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પ્રાકૃતિક ઝરણાંને રોકીને ભકતની નાભિમાંથી કાઢી શિવલિંગને અભિષેક કરાવતું ઝરણું છે. આ તમામ મંદિરોમાં પણ અદભૂત કલાત્મક કોતરણી કરવામાં આવી છે. ફાગણ વદ ચૌદસના દિવસે રાજસ્થાનના મૂળ એકલિંગજી મંદિરમાં ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. જયાં જયાં મેવાડા બ્રાહ્મણો વસે છે ત્યાં પણ આ દિવસ ધામધૂમથી મનાવવામાં આવે છે. અમદાવાદમાં સારંગપુર વિસ્તારમાં આવેલી કોકડિયાની પોળમાં અને રાયપુર દરવાજા બહાર એમ બે એકલિંગજીના મંદિરો આવેલા છે અને મહાશિવરાત્રીને દિવસે અહિં ભગવાન એકલિંગજીના પાટોત્સવ નિમિત્ત્।ે મહોત્સવ યોજાય છે જેમાં જનમેદની ઉમટી પડે છે. રાજસ્થાનના રાજપુતોના શૌર્ય અને બલિદાનની ગાથાઓનું સાક્ષી બનીને હજારેક વર્ષથી આ મંદિર ઉભું છે. ઉદયપુરથી ૨૩ કિમી ઉત્ત્।રે સ્થિત એકલિંગજી બસ કે અન્ય વાહન મારફતે સડકમાર્ગે સહેલાઈથી પહોંચી શકાય તેમ છે. ઉદયપુરથી રાજસ્થાનનાં જ અન્ય એક પ્રખ્યાત યાત્રાધામ શ્રીનાથજી જતાં રસ્તા પર જ આવેલું છે. શ્રીનાથજી દર્શન કરવા જતા ભાવિકો એકલિંગજીના દર્શને અચૂક જાય છે.

  • એકલિંગજી મંદિર વિશે રસપ્રદ તથ્યો

.     એકલિંગજી મંદિર મુખ્ય શહેરથી લગભગ ૨ કિમીના અંતરે આવેલું છે. આ મંદિર ૨૫૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે અને આ મંદિરના પરિસરમાં ૧૦૮ મંદિરો છે.

.     હાલના મંદિરના નિર્માણનો સંપૂર્ણ શ્રેય મેવાડ મહારાણા રાયમલને જાય છે.

.     મંદિરમાં સ્થાપિત કાળા આરસથી બનેલી મહાદેવના ચાર મુખ ધરાવતું શિવલિંગ રૂપી મૂર્તિ મહારાણા રાયમલે જ સ્થાપિત કરી હતી.

.     મંદિરના દક્ષિણ દરવાજાની સામે, એક વિશિષ્ટ સ્થાનમાં, મહારાણા રાયમલ સાથે સંબંધિત ૧૦૦ શ્લોકોનું સ્તોત્ર છે.

.     મુખ્ય મંદિર સિવાય, અંદર બનેલા અન્ય ઘણા મંદિરો છે, જેમાં મહારાણા કુંભા દ્વારા બનાવવામાં આવેલ વિષ્ણુ મંદિર પણ છે. આ મંદિર હરિહર મંદિર, મીરા મંદિર ના નામે પણ ઓળખાય છે.

.     એકલિંગજીના મંદિરની નીચે વિંધ્યાવાસિની દેવીનું બીજું મંદિર પણ આવેલું છે.

.     મંદિર વિશેની એક લોકપ્રિયતા સૂચવે છે કે બાપ્પા રાવલના ગુરુ એવા ગુરુ નાથ હરિત મુનીએ આપેલા ઉપદેશો મુજબ બાપ્પા રાવલે એકલિંગજીના મંદિરનું કામ સંભાળ્યું હતું.

.     એકલિંગજીના મંદિરમાં, બાપ્પા રાવલના ગુરુનો પ્રાચીન આશ્રમ અને એકલિંગજીના મંદિરના મહંત આજે પણ યથાવત છે. ર, વર્તમાન શ્રી અરવિંદ મેવાડજીએ દરવાજા પર ચાંદીની અસ્તર લગાવી છે.

  • એકલિંગજી મંદિરની આરતીનો સમય

મંગળા આરતી : ૪.૪૫

શૃંગાર આરતી : ૬.૦૦

બાલભોગ આરતી : ૬.૨૦

મહાઆરતી : ૬.૩૦

બપોરનો સમય

અભિષેક આરતી : ૧૧.૩૦

શૃંગાર આરતી : ૧૨.૩૦

રાજભોગ આરતી : ૧૨.૫૦

મહા આરતી  : ૧.૦૦

સાંજનો સમય

શૃંગાર આરતી : ૦૬.૩૦

ભોગ આરતી : ૬.૫૦

મહા આરતી  : ૭.૦૦

શયન આરતી : ૭.૩૦

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(12:08 pm IST)