Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ઉત્તરાખંડમાં વિસ્થાપિત બંગાળીઓના જાતિ પ્રમાણપત્રમાંથી હટાવાશે 'પૂર્વ પાકિસ્તાની'

મુખ્યમંત્રીએ શક્તિફાર્મને પેટા તહસીલ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી

 

ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં વિસ્થાપિત બંગાળી સમાજને અપાતા જાતિ પ્રમાણપત્રમાંથી 'પૂર્વી પાકિસ્તાન' શબ્દ હટાવી લેવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે, બંગાળી સમાજ માટે જારી થતા પ્રમાણપત્રમાં 'પૂર્વી પાકિસ્તાન'નો ઉલ્લેખ નહીં થાય.

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સિતારગંજ ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય સૌરભ બહુગુણાના નેતૃત્વમાં તેમને મળવા આવેલા શક્તિફાર્મ વિસ્તારના નિવાસીઓ સાથેની એક મુલાકાત દરમિયાન આ જાહેરાત કરી હતી.

સરકારી વિજ્ઞપ્તિ પ્રમાણે આ જાહેરાતથી ઉધમસિંહ નગર જિલ્લામાં રહેતા વિસ્થાપિત બંગાળી સમાજની પોતાના જાતિ પ્રમાણપત્રમાંથી પૂર્વી પાકિસ્તાની શબ્દ દૂર કરવાની વર્ષો જૂની માગણી પૂરી થઈ ગઈ છે.

સીએમ ધામીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ વિસ્થાપિત બંગાળી સમાજના લોકોને અપાતા જાતિ પ્રમાણપત્રમાંથી 'પૂર્વી પાકિસ્તાન' શબ્દ દૂર કરવા સંબંધી પ્રસ્તાવ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લાવવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રીએ શક્તિફાર્મને પેટા તહસીલ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. મુખ્યમંત્રીએ પોતે જ ટ્વીટ કરીને આ અંગે જાણ કરી હતી.

(12:22 pm IST)