Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

રાજીવ ગાંધી નહીં હવે મેજર ધ્યાનચંદ નામે રહેશે ખેલ રત્ન એવોર્ડ

હોકીમાં ભારતના પ્રદર્શનને જોતા વડાપ્રધાન મોદીએ લીધો મહત્વનો નિર્ણયઃ હવે ખેલ રત્નની આગળ મેજર ધ્યાનચંદનું નામ જોડાશે :વઠાપ્રધાને કરી જાહેરાતઃ દેશને ગર્વિત કરનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓએ આગ્રહ કર્યો હતો કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે

નવીદિલ્હી તા.૬: કેન્દ્ર સરકારે  રમત સંબંધિત મોટો નિર્ણય લીધો છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્નઅવોર્ડ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ અવોર્ડ આપણા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરશે.

રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલાયું છે. હવે આ અવોર્ડ મેજર ધ્યાનચંદના નામે અપાશે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરતાં કહ્યું કે ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવો જોઈએ એ યોગ્ય છે.

ભારતીય રમતમાં સર્વોચ્ચ અવોર્ડ છે. ૧૯૯૧-૯૨માં સરકારે આ પુરસ્કારની શરૂઆત કરી હતી. એ જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને ૨૫ લાખ રૂપિયા આપવામાં આવે છે.  પ્રથમ ખેલ રત્ન અવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં ૪૫ લોકોને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં ક્રિકેટર રોહિત શર્મા, પેરાલમ્પિયન હાઇ જમ્પર મરિયપ્પન થંગવેલુ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીબાજ વિનેશ ફોગાટને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધી ૩ ખેલાડીઓએ હોકીમાં ખેલ રત્ન એવોર્ડ મેળવ્યો છે. તેમાં ધનરાજ પિલ્લે (૧૯૯૯/૨૦૦૦), સરદાર સિંહ (૨૦૧૭) અને રાની રામપાલ (૨૦૨૦) નો સમાવેશ થાય છે.

મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગસ્ટ ૧૯૦૫ના રોજ પ્રયાગરાજમાં થયો હતો. ભારતમાં આ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેમની આત્મકથાનું નામ 'ગોલ' છે. ધ્યાનચંદ માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાયા હતા . તેનું સાચું નામ ધ્યાન સિંહ હતું. તે ફરજ બાદ ચાંદની રોશનીમાં હોકી પ્રેકિટસ કરતા હતા, તેથી તે ધ્યાનચંદ તરીકે ઓળખાવા લાગ્યા હતા. ધ્યાનચંદે ૧૯૨૬ થી ૧૯૪૯ સુધી ૧૮૫ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૪૦૦ ગોલ કર્યા હતા. તેની રમતને કારણે ભારતે ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે ૧૯૨૮ એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં ૧૪ ગોલ કર્યા હતા. ત્યારે એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે, 'તે હોકી નહીં, જાદુ હતો અને ધ્યાનચંદ હોકીના જાદુગર છે.'ત્યારથી તેઓ હોકીના જાદુગર તરીકે ઓળખાવા લાગ્યા હતા.

(3:09 pm IST)