Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મહિલા હોકી ટીમે વિરોધી ટીમનું પણ દીલ જીતી લીધું

ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે ૩-૪થી હારી : બ્રિટિશ હોકીના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરાયું કે, વાહ શું મુકાબલો હતો, શું શાનદાર વિરોધી ટીમ હતી

નવી દિલ્હી, તા.૬ : ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે પોતાના શાનદાર દેખાવથી ભારતનુ જ નહીં પણ વિરોધી હોકી ટીમ બ્રિટનનુ પણ દિલ જીતી લીધુ છે. બ્રોન્ઝ મેડલની મેચ ૪-૩ થી હારનાર ભારતીય મહિલા હોકી ટીમના ખુદ બ્રિટિશ હોકીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ વખાણ કરવામાં આવ્યા છે. બ્રિટિશ હોકીના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યુ હતુ કે, વાહ શું મુકાબલો હતો અને શું શાનદાર વિરોધી ટીમ હતી, ભારતીય હોકી ટીમ તમે ટોકિયો ઓલિમ્પિકમાં કમાલની રમત દર્શાવી છે, તમારો આવનારો સમય કમાલ હશે.

આ ટ્વિટને જોતા લાગે છે કે, બ્રિટિશ હોકી ટીમે પણ સ્વીકાર્યુ છે કે ભારતીય મહિલા ટીમનુ પ્રદર્શન શાનદાર હતુ.

દરમિયાન મેચ બાદ ભારતીય ટીમની ખેલાડીઓ મેદાન પર જ રડી પડી હતી અને તે વખતે બ્રિટનની ખેલાડીઓ તેમને આશ્વાસન આપતી પણ નજરે પડી હતી. કારણકે બ્રિટિશ ખેલાડીઓ પણ જાણતી હતી કે, આ મુકાબલો એક તરફી નહોતો અને કાંટાની ટ્કકર બાદ ભારતીય ટીમ સામે તેઓ જીતી હતી.

(7:56 pm IST)