Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

એર સ્ટ્રાઇકના જવાબમાં ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલ આર્મી મથકો પર ૧૯ રોકેટ છોડયા

રોકેટ હુમલા પછી ફરીથી લેબેનોન-ઈઝરાયેલની સરહદે તંગદિલી સર્જાઈ

બેરૂત :લેબેનોનમાં આવેલા હિઝબુલ્લાહના કેમ્પો પર ઈઝરાયેલે એરસ્ટ્રાઈક કરી હતી. એ પછી ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલના આર્મી મથકો ઉપર ૧૯ રોકેટ છોડયા હતા. આ રોકેટ હુમલા પછી ફરીથી લેબેનોન-ઈઝરાયેલની સરહદે તંગદિલી સર્જાઈ છે.

   આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે લેબેનોન સરહદે આવેલા ઈઝરાયેલના સૈન્ય મથકે એક પછી એક ૧૯ રોકેટ છોડીને હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે કહ્યું હતું કે ઈઝરાયેલે એર સ્ટ્રાઈક કરી તેના જવાબમાં આ રોકેટ છોડાયા હતા. ઈઝરાયેલી લશ્કરે પણ સ્વીકાર્યું હતું કે એક પછી એક ૧૯ રોકેટો સૈન્ય મથકો તરફ આવ્યા હતા, પરંતુ આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમના કારણે એ રોકેટને તોડી પાડવામાં આવ્યા હતા અને કોઈ જ જાનહાની થઈ ન હતી.

 યુએનના શાંતિસૈનિકો લેબેનોન-ઈઝરાયેલ સરહદે તૈનાત છે. આ શાંતિ સૈનિકોએ સ્વીકાર્યું હતું કે ઈઝરાયેલની એરસ્ટ્રાઈક પછી હિઝબુલ્લાહે રોકેટથી હુમલો કર્યો હતો. રોકેટ હુમલાના કારણે ઉત્તર ઈઝરાયેલના ખુલા વિસ્તારમાં આગ લાગી હોવાના અહેવાલો હતા. આ રોકેટ હુમલા પછી ફરીથી ઈઝરાયેલે બોમ્બવર્ષા કર્યાનો દાવો થઈ રહ્યો છે. શાંતિસૈનિકોએ કહ્યું હતું કે બંને તરફના હુમલાના કારણે ફરીથી સ્થિતિ વધારે તંગ થતી જાય છે. યુએને બંને તરફ શસ્ત્રવિરામ કરવાની અપીલ કરી હતી.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ઈરાનના બધા જ પ્રકારના હુમલાનો જવાબ આપવા ઈઝરાયેલ સજ્જ છે. ઈઝરાયેલના શિપ પર ઓમાનના દરિયા નજીક ડ્રોન હુમલો થયો તે પછી એ હુમલા પાછળ ઈરાન જવાબદાર હોવાનું ઈઝરાયેલે કહ્યું હતું. ઈરાને તેનો ઈનકાર કર્યો હતો. ગલ્ફમાં બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાઈ હોવાથી તેની અસર લેબેનોન-ઈઝરાયેલની સરહદે પડી હતી.

(11:41 pm IST)