Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના નિશાન સાહિબને હટાવવા કૃત્ય સામે ભારત દ્વારા સખત વાંધો ઉઠાવાયો

તાલિબાની આતંકીઓએ પકતિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો ધાર્મિક ઝંડો તેમજ નિશાન સાહેબ હટાવી દીધું

નવી દિલ્હી :તાલિબાની આતંકીઓએ પકતિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો ધાર્મિક ઝંડો તેમજ નિશાન સાહેબ હટાવી દીધાના સમાચાર આવી રહ્યાં છે. તે પછી ભારતે આ ઘટનાની સખત નિંદા કરી હતી. તાલિબાન પર નિશાન સાહિબને હટાવવાનું કૃત્ય હાથ ધરવાનો આરોપ લગાવ્યા બાદ તેણે તેને નકારી કાઢ્યો છે. ભારત સરકારે આ મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો છે. તાલિબાન આ ક્ષેત્ર પર કબ્જો જમાવવા માટે તબાહી મચાવી રહ્યુ છે. જોકે તાલિબાને આ રિપોર્ટને ફગાવી દીધો છે.

આ ગુરુદ્વારા શીખો માટે બહુ મહત્વ ધરાવે છે. આ ઐતિહાસિક સ્થળે શ્રી ગુરુ નાનક દેવ પણ આવી ચુકયા છે. એક અહેવાલમાં કહેવાયુ છે કે, તાલિબાનોએ તેની છત પરનુ નિશાન સાહેબ હટાવી દીધુ છે.

અફઘાનિસ્તાનમાં જોકે લઘુમતીઓ પરના અત્યાચારની ઘટનાઓ પહેલા પણ બનતી રહી છે. અહીંયા રહેતા હિન્દુઓ અને સીખો તેના કારણે દેશ છોડવા માટે પણ મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને પકતિયા પ્રાંતનો વિસ્તાર 1980ના દાયકાથી તાલિબાનનો ગઢ મનાય છે.

ગયા વર્ષે ગુરૂદ્વારા સેવા કરવા માટે પહોંચેલા નિદાન સિંહ સચદેવનુ અપહરણ કરાયુ હતુ. જોકે તેમને પાછળથી છોડી દેવામાં આવ્યા હતા. અમેરિકન સૈનિકોની ઘર વાપસી બાદ તાલિબાનનો આંતક આ વિસ્તારમાં વધી ગયો છે.

(11:57 pm IST)