Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અમેરિકામાં બે મહિનામાં એક લાખ ગ્રીનકાર્ડ રદ્ થવાની શક્યતા :ભારતીય આઈટી પ્રોફેશનલ્સની વધશે પરેશાની

૩૦મી સપ્ટેમ્બર પહેલાં જો આ કાર્ડ્સને રિન્યૂ કરવાની દિશામાં યોગ્ય પગલાં નહીં ંભરાય તો અસંખ્ય લોકોની મુશ્કેલી વધશે.

નવી દિલ્હી : અમેરિકામાં રહેતા ભારતીય મૂળના હજારો આઈટી પ્રોફેશનલ્સની પરેશાની વધે તેવી શક્યતા છે. આગામી બે-ત્રણ મહિનામાં એક લાખ ગ્રીનકાર્ડ્સ રદ્ થાય તેવી પૂરી સંભાવના છે. ૩૦મી સપ્ટેમ્બર પહેલાં જો આ કાર્ડ્સને રિન્યૂ કરવાની દિશામાં યોગ્ય પગલાં નહીં ંભરાય તો અસંખ્ય લોકોની મુશ્કેલી વધશે.

રોજગાર આધારિત અપાયેલા એક લાખ ગ્રીન કાર્ડ્સ આગામી બે-ત્રણ માસમાં જ રદ્ થાય તેવી શક્યતા છે. એના કારણે ભારતીય મૂળના હજારો આઈટી પ્રોફેશનલ્સમાં રોષ ફેલાયો છે. તેમના કાયમી નિવાસનું વેઈટિંગ એકાદ દશકા સુધી લંબાય જશે.
ગ્રીન કાર્ડને સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આઈટી પ્રોફેશનલ્સને અપાયેલા એક લાખ જેટલાં ગ્રીન કાર્ડ ૩૦મી પહેલાં જો રિન્યૂ નહીં થાય તો તે રદ્ થઈ જશે. જો એવું થશે તો અસંખ્ય ભારતીય મૂળના પ્રોફેશનલ્સને કાયમી રહેઠાણ માટે લાંબો ઈન્તઝાર કરવો પડી શકે છે.
ચાલુ વર્ષે રોજગાર આધારિત ૨,૬૧,૫૦૦ વિઝા મંજૂર થયા છે. સામાન્ય રીતે આ ક્વોટા ૧,૪૦,૦૦૦નો હોય છે. જો આ વિઝા ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ઈશ્યુ કરવામાં આવશે નહીં તો તે રદ્ થઈ જશે.
આ વિચિત્ર સ્થિતિ સામે ભારત અને ચીનના ૧૨૫ આઈટી પ્રોફેશનલ્સે મળીને અમેરિકાની કોર્ટમાં અરજી કરી છે. કારણ કે અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે જ એક લાખ કરતા વધુ ગ્રીનકાર્ડ્સ રદ્ થાય તેવા સંકેતો આપ્યા હતા. ભારતીય આઈટી નિષ્ણાતોએ આરોપ લગાવ્યો હતો કે આ સ્થિતિ પાછળ બાઈડેનની સરકાર જવાબદાર છે. તેમણે આ મુદ્દે અત્યાર સુધીમાં કોઈ જ પગલાં ભર્યા ન હોવાથી લાખ પીઆર રદ્ થાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. વ્હાઈટ હાઉસને આ બાબતે પૂછવામાં આવ્યું હતું, પરંતુ સરકારે સત્તાવાર રીતે આ મુદ્દે કોઈ જ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું.

(12:28 am IST)