Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા : હવાઈ હુમલામાં 8 લોકોના મોત, 44 લોકો ઘવાયા

ઈસ્લામિક જિહાદ ગ્રુપનો કમાન્ડર પણ માર્યો ગયો : ઈઝરાયેલે યુનિસ, રાફાહ શહેર પર પણ હવાઈ હુમલા કર્યા

નવી દિલ્લી તા.05 : ઇઝરાયેલી સૈન્યએ શુક્રવારે કહ્યું કે તેણે ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયલી સૈન્ય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “IDF હાલમાં ગાઝા પટ્ટી પર હુમલો કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલી ડોમેસ્ટિક ફ્રન્ટ પર વિશેષ સ્થિતિની જાહેરાત કરવામાં આવી છે.” ઈઝરાયેલે શુક્રવારે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં ઈસ્લામિક જિહાદ ગ્રુપનો કમાન્ડર, એક નાની છોકરી સહિત ઓછામાં ઓછા 8 લોકોના મોત નીપજ્યાં છે.

અલ કુદ બ્રિગેડનો કમાન્ડર તૈસીર અલ-જબારીનું ઈઝરાયેલી હવાઈ હુમલામાં મોત થયું છે.

ગાઝાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જેમાં અલ જબારીનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલી હવાઈ હુમલામાં 44 લોકો ઘવાયા હતા અને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકોને બિલ્ડિંગમાંથી બાહર કાઢવા માટે સિવિલ ડિફેન્સની ટીમને કામે લગાડવામાં આવી હતી.

ગાઝામાં શુક્રવારે ઘણા બોમ્બ બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. ઈઝરાયેલી ડ્રોન ગાઝા પટ્ટી પર ઉડી રહ્યાં હતા. દક્ષિણમાં આવેલા ખાન યુનિસ, રાફાહ શહેર પર પણ હવાઈ હુમલા કરાયા હતા. જેનીન શહેરમાંથી વરિષ્ઠ પેલેસ્ટીની નેતા - બાસમ અલ સાદીની ધરપકડ બાદ તણાવ ઉત્પન થયો હતો.

ઈસ્લામિક જિહાદ ગ્રુપ તરફથી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે શત્રુઓએ અમારા લોકો પર હુમલો કરવાનો શરૂ કર્યું છે. અમે અમારા લોકોને બચાવીશું. ઈઝરાયેલી સેનાએ શુક્રવારે જણાવ્યું હતું કે સ્પેશિયલ સ્થિતિ હેઠળ તેમના દ્વારા ગાઝા પર હુમલા કરવામાં આવી રહ્યાં છે.

હમાસના પ્રવક્તા ફવઝી બારહૌમે જણાવ્યું હતું કે શુક્રવારની કાર્યવાહીનો તેઓ જવાબ આપશે. ઈઝરાયેલ દ્વારા ક્રૂરતા આચરવામાં આવી છે. અમે અમારા લોકોનું પક્ષણ કરીશું.

(11:33 pm IST)