Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

‘ચેરીટેબલ ટ્રસ્‍ટ' દ્વારા ચલાવાતી ધર્મશાળાઓ કે સરાઇઓના રૂમ ભાડા પર GST નહી લાગે

આ સંબંધે પ્રવર્તતી ગેરસમજ અંગે સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇન્‍ડીરેકટ ટેક્ષીઝ એન્‍ડ કસ્‍ટમ્‍સએ વધુ સ્‍પષ્‍ટતા કરી

નવી દિલ્‍હી તા. ૬ : વિત્ત મંત્રાલયે જણાવ્‍યું છે કે, ‘ગુડસ એન્‍ડ સર્વિસ ટેક્‍સ'  (GST) ચેરિટેબલ ટ્રસ્‍ટો દ્વારા ચલાવાતી ધર્મશાળાઓ કે સરાઈઓના ભાડા ઉપર લાગુ નહીં પડે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇન્‍ડીરેક્‍ટ ટેક્ષીસ એન્‍ડ કસ્‍ટમ્‍સ દ્વારા આ સ્‍પષ્ટતા કરવામાં આવી હતી.

‘આપ'ના સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત વિવિધ જૂથોએ આ વેરો ધાર્મિક અને સખાવતી સંસ્‍થાઓ દ્વારા ચલાવાતી ધર્મશાળાઓ અને સરાઈઓ ઉપરથી પાછો ખેંચવા કરેલી માંગણીના પગલે નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો હતો.

ચઢ્ઢા નાણાં મંત્રી નિર્મલા સીતારમનને ગુરૂવારે સાંજે મળ્‍યા હતા અને તેઓને એક પત્ર આપ્‍યો હતો જેમાં અમૃતસરના સુવર્ણમંદિર આસપાસની સરાઈઓના રૂમ ભાડા ઉપર લેવાતો ૧૨ ટકાનો GST દૂર કરવા માંગણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, GST કાઉન્‍સિલે જૂન મહિનામાં રોજના રૂા. ૧,૦૦૦થી ઓછા ભાડાવાળા હોટેલ રૂમો ઉપર ૧૨ ટકા GST  લાગુ કરવા નિર્ણય લીધો હતો જે તા. ૧૮ જુલાઈ ૨૦૨૨થી લાગુ કરાયો હતો આ પછી શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિએ પોતાની મેળે જ સરાઈઓના રૂમભાડા ઉપર ૧૨% GST ઉઘરાવવો શરૂ કરી દીધોહતો.

ઉલ્લેખનીય છે કે, GST કાઉન્‍સિલે રોજના રૂા. ૧,૦૦૦થી ઓછા રૂમ ભાડા ઉપર ૧૨% GST લેવાની ભલામણ કરી હતી પહેલા રૂા. ૧,૦૦૦થી ઓછા ભાડાવાળા હોટેલ રૂમ્‍સ ઉપર GSTમાં માફી મળતી હતી.

GSTમાં આ સુધારા પછી હવે સખાવતી સંસ્‍થાઓ દ્વારા ચલાવાતી ધર્મશાળાઓ અને સરાઈઓના રૂમ ભાડા ઉપર GST લાગુ નહી પડે.

(10:55 am IST)