Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

તાલિબાનના જાણભેદુએ જ પૈસાની લાલચમાં ઝવાહિરીનો ઘડો ફોડયાની શંકા : મુલ્લા ઉમરના દીકરા પર આંગળીઓ ચીંધાઈ !

હક્કાની નેટવર્કનો મુખિયા અને તાલિબાની ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાની પણ શંકાના દાયરામાં : ઝવાહિરીના માથે ૨૦૦ કરોડ રૂપિયાનું હતું ઈનામ

નવી દિલ્લી તા.06 : અલ-ઝવાહિરીને અલ-કાયદાનું મગજ કહેવામાં આવે છે. આંખોના ડૉક્ટર અલ-ઝવાહિરીએ ઇજિપ્ત ઇસ્લામિક જેહાદી ગ્રૂપ બનાવવામાં મદદ કરી હતી. જેને અમેરિકાએ ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે. ત્યારે તાલિબાનનું માનવું છે કે, તાલિબાનમાંથી જ કોઈ ફૂટી ગયું તેના કારણે અમેરિકાએ ઝવાહિરીને પતાવી દીધો.

મહત્વની વાત એ છે કે, તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના દીકરા અને તાલિબાનના સંરક્ષણ મંત્રી મોહમ્મદ યાકુબ તરફ આંગળી ચીંધાઈ રહી છે. ઝવાહિરી જેના ઘરમાં રહેતો હતો એ હક્કાની નેટવર્કનો મુખિયા અને તાલિબાની ગૃહ મંત્રી સિરાજુદ્દીન હક્કાની પણ શંકાના દાયરામાં છે. મુલ્લા ઉમરનો દીકરો મોહમ્મદ યાકુબ તાલિબાનનો સર્વેસર્વા બનવા માંગતો હતો પણ ઝવાહિરી સહિતના આતંકવાદીઓએ તેને નહોતો બનવા દીધો.

યાકૂબ એ વખતે તો ચૂપ રહ્યો પણ સમય આવતાં તેણે ઝવાહિરીનો ઘડો લાડવો કરી દીધો. યાકૂબ બીજા કારણે પણ ફૂટી ગયાનું મનાય છે. ઝવાહિરીના માથે અઢી કરોડ ડોલર એટલે કે લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનું ઈનામ હતું. યાકુબે આ ઈનામની લાલચમાં ઝવાહિરીની માહિતી અમેરિકાને આપી દીધી હોવાનું કહેવાય છે.

સિરાજુદ્દીન હક્કાની સામે શંકા થવાનું કારણ એ છે કે, હક્કાની પાકિસ્તાનનો પીઠ્ઠુ છે. તાલિબાને અમેરિકા સાથે સમજૂતી કરી તેનો હક્કાનીએ વિરોધ કરેલો. હક્કાની અમેરિકા સાથે મળીને તાલિબાન સામે લડતો હતો. તાલિબાને કાબુલ પર જીત મેળવી તેનો હીરો પોતાને માનતો હતો. હક્કાની અફઘાનિસ્તાનમાં રચાયેલી સરકારનો વડો બનવા માંગતો હતો પણ તેનો મેળ નહોતો પડયો. બીજી તરફ તાલિબાન સરકાર પાકિસ્તાન સામે શિંગડાં ભેરવી રહી છે તેથી પાકિસ્તાને તાલિબાનને ચીમકી આપવા ઝવાહિરીને વધેરી નાંખ્યો.

તાલિબાનને આ શંકા થઈ રહી છે તેનું કારણ એ છે કે, ઝવાહિરી વરસો સુધી અમેરિકાથી બચતો રહેલો ને અચાનક અમેરિકાએ તેને પતાવી દીધો. દુનિયામાં જિહાદના નામે આતંકવાદ ફેલાવનારા લોકોમાં અયમાન અલ ઝવાહિરીનું નામ ટોચનાં લોકોમાં લેવાતું હતું જ્યારે તાલિબાન માટે તો એસામા બિન લાદેન અને અયમાન અલ ઝવાહિરી માર્ગદર્શક હતા. અમેરિકાને હચમચાવી નાંખનારા નાઈન ઈલેવનનો હુમલો ઓસામા બિન લાદેનના અલ કાયદા સંગઠને કરેલો. આ હુમલાએ લાદેનને વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી તરીકે સ્થાપિત કરી દીધો પણ હુમલાનો અસલી માસ્ટરમાઈન્ડ ઝવાહિરી હોવાનું કહેવાતું હતું.

નાઈન ઈલેવનના હુમલા પછી લાદેનનો ખાતમો કરવા અમેરિકાએ અફઘાનિસ્તાનને ધમરોળી નાંખ્યું પણ લાદેન કે ઝવાહિરી હાથ લાગ્યા નહોતા. અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલાના દસ વરસ પછી લાદેનને તેના ઘરમાં ઘૂસીને ઠાર મારેલો. અમેરિકા ઓસામાને શોધી શક્યું એ પાછળ પાકિસ્તાનની ગદ્દારી કારણભૂત હતી એવું તાલિબાન આજે પણ માને છે.

તાલિબાને પછી વધારે સતર્ક થઈ ગયેલા તેથી પાકિસ્તાનના અટ્ટોબાબાદમાં છૂપાયેલા લાદેનને ભલે અમેરિકાએ પતાવી દીધેલો પણ ઝવાહિરી હાથ નહોતો લાગ્યો. ઝવાહિરી લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં જ ભરાયેલો હતો પણ અમેરિકાના લશ્કરને હાથ નહોતો લાગ્યો કેમ કે તાલિબાને જોરદાર કિલ્લેબંધી કરી દીધેલી. અમેરિકાનું લશ્કર વિદાય થયું ને ફરી તાલિબાનનું શાસન આવ્યું એ પછીય તાલિબાને ઝવાહિરીને છ મહિના તો છૂપાવી રાખેલો.

ઓગસ્ટ ૨૦૨૧માં તાલિબાનને સત્તા સોંપાઈ પછી તાલિબાન સાવચેતી ખાતર પહેલાં ઝવાહિરીનાં પત્ની- પુત્રી અને પૌત્રને કાબુલ લાવેલા. એ લોકો સલામત રીતે રહ્યાં તેના છ મહિના પછી ઝવાહિરીને કાબુલ લવાયેલો. અલબત્ત ઝવાહિરીને ઘરની બહાર નહોતો નિકળવા દેવાતો. તાલિબાને કાબુલમાં પણ કિલ્લેબંધી કરી દીધેલી ને ઝવાહિરીને કંઈ ના થાય તેનો પાકો બંદોબસ્ત કરી દીધેલો. તાલિબાન બંદૂકધારીઓ ઝવાહિરીની સલામતી માટે ઘરની બહાર ખડેપગે ને ભરી મશીનગને તૈનાત રહેતા હતા. એ છતાં અમેરિકા પહોંચી ગયું.

અમેરિકાએ ઝવાહિરીના ચોક્કસ લોકેશન પર ડ્રોનની મદદથી મિસાઈલ છોડયું એ પણ મહત્વનું છે. ઝવાહિરી રોજ અગાસીમાં આંટાફેરા કરીને સમય પસાર કરે છે તેની ખબર બહુ ઓછા લોકોને હતી. રોજ ક્યા સમયે ઝવાહિરી અગાસીમાં આંટા મારે છે ને ક્યારે શું કરે છે તેની બહારનાં લોકોને ખબર જ નહોતી. આ શીડયુલ પ્રમાણે, રવિવારે સવારે ઝવાહિરી અગાસીમાં ફરતો હતો ત્યારે જ અમેરિકાએ બે મિસાઈલ છોડયાં તેમાં ઝવાહિરી ઢબી ગયો.

અમેરિકાએ ઝવાહિરીની સુરક્ષા માટે તૈનાત મશીનગનધારીઓને તક આપ્યા વિના રીપર ડ્રોન મોકલીને બે હેલફાયર મિસાઈલ છોડીને ઝવાહિરીનો ખાતમો કરીને કાયમ માટે તેનું બોર્ડ પતાવી દીધું. ચોક્કસ માહિતી વિના આવું જોરદાર ઓપરેશન શક્ય જ ના બને તેથી સ્થાનિક સ્તરે મદદ મળી છે એવું તાલિબાનને લાગે છે. બધી ચોકસાઈ છતાં ઝવાહિરીનો ઘડોલાડવો થઈ ગયો તેથી તાલિબાનને ગદ્દારીની શંકા છે.

જો કે તાલિબાન હવે ગમે તે શંકા કરે, તેનો કોઈ મતલબ નથી કેમ કે ઝવાહિરી ઉપર પહોંચી ગયો છે. ઝવાહિરીને તેના જ ઘરમાં ઉડાવીને અમેરિકાએ સાબિત કર્યું છે કે, પોતાનો ગુનેગાર પાતાળમાં પણ છૂપાયેલો હોય તો તેને પતાવી દેવાની તેનામાં તાકાત છે ને અમેરિકનોનાં લોહી વહાવનારાં સામે જરાય દયા બતાવતું નથી. અમેરિકાએ વટભેર જાહેર કર્યું કે, ઝવાહિરીને પતાવી દઈને નાઈન ઈલેવનનો બદલો લીધો છે ને ન્યાય કર્યો છે. ઝવાહિરી પતી જતાં આતંકવાદના વધુ એક કાળા પ્રકરણનો અંત આવ્યો છે.

લાદેન અને ઝવાહિરીની જોડીએ એક સમયે આખી દુનિયામાં આતંક મચાવી દીધેલો. લાદેન-ઝવાહિરીએ સંખ્યાબંધ આતંકવાદી હુમલા કરાવ્યા પણ બંનેને આખી દુનિયા નાઈન ઈલેવનના હુમલાને કારણે ઓળખતી થઈ. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદાના ૧૯ આતંકવાદીએ ચાર કોમર્શિયલ પ્લેનને હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઘૂસાડીને પાંચ હજાર લોકોની હત્યા કરી હતી. વિશ્વના સૌથી ભીષણ આતંકવાદી હુમલાને પગલે લાદેન અને ઝવાહિરી વિશ્વમાં આતંકવાદનો ચહેરો બની ગયા હતા. લાદેનને પતાવીને અમેરિકાએ આ જોડીને ખંડિત કરી હતી. ઝવાહિરીને પતાવીને અમેરિકાએ કાયય માટે બંનેને ઈતિહાસમાં દફન કરી દીધા.

(8:09 pm IST)