Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

થાઇલેન્‍ડમાં અંધાધૂંધ ફાયરિંગ : ૨૨ બાળકો સહિત ૩૪ના મોત

પ્રી-સ્‍કુલ ચાઇલ્‍ડ ડે કેર સેન્‍ટરમાં એક પૂર્વ પોલીસ અધિકારીએ આતંક મચાવ્‍યો : હુમલાવરે ખુદને મારી ગોળી : મૃતકમાં ૨૩ બાળકો, ૨ શિક્ષક અને એક પોલીસ અધિકારીનો સમાવેશ : આરોપીએ પોતાના બાળકો - પત્‍નીને પણ ગોળી મારી

બેંગકોક તા. ૬ : થાઈલેન્‍ડમાં પ્રી-સ્‍કૂલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ૩૪ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. એક પૂર્વ પોલીસ અધિકારીએ પ્રી-સ્‍કૂલ ચાઈલ્‍ડ-ડે કેર સેન્‍ટરમાં આ ગોળીબાર કર્યો છે. હુમલાવરે ખુદને પણ ગોળી મારીᅠ. પોલીસે માહિતી આપી છે કે મૃતકોમાં બાળકો અને પુખ્‍ત વયના લોકો પણ સામેલ છે. પોલીસે જણાવ્‍યું હતું કે હુમલાખોરે બાળકો અને પુખ્‍ત વયના લોકો પર ગોળીબાર કર્યો હતો.હુમલા પાછળનો હેતુ હાલ સ્‍પષ્ટ થયો નથી. મૃતકમાં ૨૨ બાળકો,૨ શિક્ષક, અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. આરોપીએ પોતાના બાળક અને પત્‍નીને પણ ગોળી મારી.

રાષ્ટ્રીય પોલીસના પ્રવક્‍તા અચાયોન ક્રાથોંગે જણાવ્‍યું હતું કે આ ઘટના નોંગ બુઆ લામ્‍ફુ પ્રાંતમાં બની હતી. પ્રવક્‍તાના જણાવ્‍યા અનુસાર ઓછામાં ઓછા ૩૪ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલાખોરની શોધખોળ ચાલુ છે. સરકારી પ્રવક્‍તાએ કહ્યું કે વડા પ્રધાને તમામ એજન્‍સીઓને કાર્યવાહી કરવા અને ગુનેગારને પકડવા માટે ચેતવણી આપી છે. થાઇલેન્‍ડમાં બંદૂક માલિકોનો દર આ પ્રદેશના કેટલાક અન્‍ય દેશો કરતાં વધુ છે.

થાઈલેન્‍ડમાં બંદૂકના આંકડાઓમાં નોંધપાત્ર સંખ્‍યામાં ગેરકાયદેસર હથિયારોનો સમાવેશ થતો નથી, જેમાંથી ઘણા લાંબા-સંઘર્ષવાળા પડોશીઓ પાસેથી સરહદો પાર લાવવામાં આવે છે. સામૂહિક ગોળીબારની ઘટનાઓ ભાગ્‍યે જ બને છે પરંતુ વર્ષ ૨૦૨૦માં આવી જ એક ઘટનાએ થાઈલેન્‍ડને ચોંકાવી દીધું હતું. પ્રોપર્ટી ડીલથી ગુસ્‍સે થયેલા એક સૈનિકે ચાર વિસ્‍તારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ૨૯ લોકોના મોત થયા હતા અને ૫૭ લોકો ઘાયલ થયા હતા.

(4:06 pm IST)