Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડેમાં ભારતનો 9 રને પરાજય:સંજૂ સેમસન અને અય્યરની લડાયક ઈનીંગ

વરસાદને લઈ મેચ 40-40 ઓવરની રમાઈ હતી: વિશાળ લક્ષ્ય સામે સંજૂ સેમસન અને શ્રેયસ અય્યરે શાનદાર લડત આપી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વડે સિરીઝનો પ્રારંભ થઈ ચુક્યો છે. પ્રથમ મેચ ભારતે 9 રન ગુમાવી હતી. સેમસનની અણનમ ઈનીંગે મેચને અંતમાં રોમાંચક બનાવી હતી. પ્રથમ વનડે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદના કારણે નિર્ધારીત સમય પર મેચ શરુ થઈ શકી નહોતી. જેને લઈ મેચની 10-10 ઓવર બંને ઈનીંગમાંથી ઘટાડી દેવામાં આવી હતી. આમ 40-40 ઓવરની આ મેચમાં ટીમ ઈન્ડિયાના કાર્યવાહક કેપ્ટન શિખર ધવને  ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ક્લાસેન અને મિલરની વિશાળ ભાગીદારીને લઈ દક્ષિણ આફ્રિકાએ 249 રનનો સ્કોર 4 વિકેટે ખડક્યો હતો. લક્ષ્યનો પિછો કરતા સંજૂ સેમસને પણ શાનદાર અડધી સદી સાથે ઈનીંગ રમી હતી.

જવાબમાં ટાર્ગેટનો પિછો કરવા માટે ક્રિઝ પર આવેલી ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઝડપથી પરત ફર્યા હતા. બંને ઓપનરો 8 રનના સ્કોર પર જ પેવેલિયન પરત આવી ગયા હતા. સૌપ્રથમ શુભમન ગિલના રુપમાં ભારતીય ટીમને આંચકો લાગ્યો હતો. તે 7 બોલનો સામનો કરીને માત્ર 3 રન નોંધાવી શક્યો હતો. જ્યારે શિખર ધવન 16 બોલનો સામનો કરીને 4 રન નોંધાવી પરત ફર્યો હતો. બંને ઓપનરો બોલ્ડ થઈને પરત આવ્યા હતા.

ઋતુરાજ ગાયકવાડના રુપમાં ભારતે 17મી ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. જે દરમિયાન ભારતનો સ્કોર 48 રન હતો. ત્યાર બાદ સ્કોરમાં માંડ 3 રનનો ઉમેરો થયો હતો, ત્યાં જ ઈશાન કિશને પણ વિકેટ ગુમાવી દીધી હતી. આમ ભારતે ચોથો ઝટકો સહન કરતા જ ભારત માટે મેચ મુશ્કેલ બની ગઈ હતી. ગાયકવાડે 42 બોલનો સામનો કર્યો હતો, જેની સામે તેણે માંડ 19 રન બનાવ્યા હતા. કિશને પણ 37 બોલનો સામનો કર્યો હતો, જેણે 20 રનનુ યોગદાન આપ્યુ હતુ.

ટોપ ઓર્ડર ઝડપથી સસ્તામાં જ વિકેટ ગુમાવી બેઠો હતો, સાથે જ ઓવર પણ ખૂબ ખર્ચ કરી દીધી હતી. પરંતુ બાદમાં મોરચો શ્રેયસ અય્યર અને સંજૂ સેમસને સંભાળ્યો હતો. બંનેએ આફ્રિકી બોલરોનો સામનો કરચા બેટ વડે તેમને ફટકારવાનુ ચૂકતા નહોતા. અય્યર અડધી સદી નોંધાવી આઉટ થયો હતો. તેણે 37 બોલનો સામનો કરીને 50 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 8 ચોગ્ગા ફટકાર્યા હતા.

સંજૂ સેમસને પણ રંગ જમાવ્યો હતો, તેણે પણ મુશ્કેલ સમયમાં લડાયક ઈનીંગ રમી હતી. તેણે પણ જબરદસ્ત રમત દર્શાવતા અડધી સદી નોંધાવી હતી. સેમસને મોકો શોધી ને બાઉન્ડરી સમયાંતરે ફટકારીને હરીફ ટીમનો બોલરોને પરેશાન કરી દીધા હતા. અંતમાં સેમસનની રમતે મેચને રોમાંચક બનાવી દીધી હતી, 3 છગ્ગાની મદદ થી 63 બોલમાં 86 રન અણનમ નોંધાવ્યા હતા. સેમસનને શાર્દૂલ ઠાકુરે સારો સાથ પુરાવ્યો હતો, તેણે 31 બોલમાં 5 ચોગ્ગા વડે 33 રન નોંધાવ્યા હતા. કુલદીપ યાદવ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો.

(11:01 pm IST)