Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કિસાનોની જેમ કાશ્મીરની જનતાએ બલિદાન આપવું પડશે

બલિદાન બાદ જ બહાલ થશે ૩૭૦ : ફારૂક અબ્દુલ્લા : પાર્ટીના સંસ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાની ૧૧૬મી જયંતિ પર નસીમબાગમાં સભામાંને ફારૂક અબ્દુલ્લાએ સંબોધી

શ્રીનગર, તા.૫ : નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ રવિવારે કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે પ્રદેશની જનતાએ કિસાનોની જેમ બલિદાન આપવું પડશે. પાર્ટીના સંસ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાની ૧૧૬મી જયંતિના અવસર પર નસીમબાગ સ્થિત તેમના મકબરામાં સભાને સંબોધિત કરતા અબ્દુલ્લાએ આ વાત કહી છે. પરંતુ તેમણે તે પણ કહ્યું કે, તેમની પાર્ટી કોઈ પ્રકારની હિંસાનું સમર્થન કરતી નથી.

સિંધુ બોર્ડર પર આશરે એક વર્ષ કરતા વધુ ચાલેલા આંદોલન બાદ પ્રધાનમંત્રી મોદીએ ૧૯ નવેમ્બરે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય કર્યો હતો. સંસદે ૨૯ નવેમ્બરે શિયાળુ સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદાને રદ્દ કરવા માટે એક બિલ પસાર કર્યુ હતુ. તેનાથી પ્રેરિત થઈને રવિવારે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, કિસાનોની જેમ કાશ્મીરની જનતાએ બલિદાન આપવું પડશે. ત્યારે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો (આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ) બહાલ કરશે. પાર્ટીના સંસ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાની ૧૧૬મી જયંતિના અવસર પર નસીમબાગ સ્થિતિ તેમના મકબરામાં સભાને સંબોધિત કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ- ૧૧ મહિનાના આંદોલન દરમિયાન ૭૦૦ કિસાનોના મોત થયા. કિસાનોના બલિદાન પર કેન્દ્રએ ત્રણ કૃષિ બિલોને રદ્દ કરવા પડ્યા. આપણે આપણા અધિકારો પરત મેળવવા માટે આ પ્રકારનું બલિદાન કરવું પડી શકે છે.  ફારૂકે આગળ કહ્યુ- તે યાદ રાખો અમે (આર્ટિકલ) ૩૭૦, ૩૫-એ અને રાજ્યનો દરજ્જો પરત મેળવવાનું વચન કર્યુ છે અને આપણે બલિદાન કરવા માટે તૈયાર છીએ. પરંતુ નેશનલ કોન્ફરન્સ ભાઈચારા વિરુદ્ધ નથી અને અમે હિંસાનું સમર્થન કરતા નથી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ તત્કાલીન જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો રદ્દ કરી ૫ ઓગસ્ટ ૨૦૧૯ના તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધુ હતું.

(12:00 am IST)