Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સુધરાઈની જનરલ મિટિંગમાં શિવસેનાએ ગુંડાઓને બોલાવી નગરસેવકો સાથે હાથાપાઈ કરી : ભાજપ નેતાના આરોપથી ખળભળાટ

વરલીમાં ગૅસ-સિલિન્ડર ફાટ્યા બાદ લાગેલી આગમાં દાઝી જવાથી બાળક અને પિતાનાં મૃત્યુ મામલે અવાજ ઉઠાવતાં હુમલો કરાયો

મુંબઈ : ભાજપ નેતા આશિષ શેલારે ગઈ કાલે આરોપ કર્યો હતો કે શિવસેનાના નેતાએ ગુંડાઓને બોલાવીને સુધરાઈની જનરલ બૉડી મીટિંગમાં બીજેપીના નગરસેવકો સાથે હાથાપાઈ કરી હતી. વરલીમાં ગૅસ-સિલિન્ડર ફાટ્યા બાદ સુધરાઈ સંચાલિત નાયર હૉસ્પિટલોના ડૉક્ટરોની બેદરકારીને લીધે ચાર મહિનાના બાળક અને તેના પિતાનાં મૃત્યુ થવાનો પ્રશ્ન બીજેપીના નગરસેવકોએ બેઠકમાં ઉઠાવ્યો હતો ત્યારે આ ઘટના બની હોવાનું આશિષ શેલારે કહ્યું હતું.

વરલીમાં આવેલી બીડીડી ચાલમાં મંગળવારે સવારે ગૅસ-સિલિન્ડર ફાટવાને કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર જણ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં બાળક અને તેના પિતાનું મુંબઈ સેન્ટ્રલમાં આવેલી નાયર હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. અહીંના ડૉક્ટરોએ એક કલાક સુધી સારવાર ન કરી હોવાનો વિડિયો વાઇરલ થયા બાદ શુક્રવારે બે ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આશિષ શેલારે આ વિશે પત્રકારોને માહિતી આપી હતી કે ‘મુંબઈ સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં બીજેપીના નગરસેવકોએ નાયર હૉસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીને લીધે ચાર મહિનાના બાળક અને તેના પિતાનું મૃત્યુ થવા બાબતે સવાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન યશવંત જાધવે કથિત રીતે અયોગ્ય વર્તન કરવાની સાથે ધમકી આપી હતી. તેમણે કેટલાક ગુંડાઓને બોલાવીને અમારા નગરસેવકો સાથે હાથાપાઈ કરી હતી.’
આશિષ શેલારે દાવો કર્યો હતો કે ‘આગમાં દાઝી ગયેલા લોકોને યોગ્ય સારવાર ન અપાઈ હોવાની જાણ થયા બાદ સૌથી પહેલાં બીજેપીના નગરસેવકો નાયર હૉસ્પિટલ પહોંચ્યા હતા અને ડૉક્ટરોની બેદરકારી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. મુંબઈગરાઓ માટેની હેલ્થ સર્વિસ માટે દર વર્ષે મુંબઈ મહાનગરપાલિકા ૪,૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. જો મેયર કે સ્થાનિક નગરસેવકો નાગરિકોની વ્યથા નથી સાંભળતા તો અહીંના સ્થાનિક વિધાનસભ્ય આદિત્ય ઠાકરે પાસેથી શું અપેક્ષા રાખી શકાય? અમે આવા સવાલ ઉઠાવતા રહીશું. આ ચોંકાવનારી ઘટનાના ૭૨ કલાક સુધી મેયરે પણ હૉસ્પિટલની મુલાકાત નહોતી લીધી.’

(12:00 am IST)