Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નાગાલેન્ડમાં ફાયરિંગમાં નાગરિકોના મોત પછી હિંસા ભડકી: આગચંપી :ભારે તણાવ: અમિતભાઈ શાહે શાંતિની અપીલ કરી

ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામીણોએ સુરક્ષાદળોની ગાડીઓને આગ ચાંપી દીધી

નવી દિલ્હી: નાગાલેન્ડમાં ફાયરિંગમાં નાગરિકોના મોત પછી હિંસા ભડકી ઉઠી છે. આ ઘટના બાદ વિસ્તારમાં આગચંપીના કારણે ભારે તણાવભરી પરિસ્થિતિ સર્જાઇ છે. હાલ તો રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ નાગરિકોને શાંતિની અપીલ કરી છે.

ભારતના પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડના મોન જિલ્લાના તિરૂ ગામમાં શનિવારે રાત્રિના સમયે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામીણોએ સુરક્ષાદળોની ગાડીઓને આગ ચાંપી દીધી હતી. રવિવારની સવાર સુધીમાં ફાયરિંગમાં 6થી વધારે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને મૃતકઆંક હજુ ઉંચો જાય તેવી શક્યતા છે.  જોકે, ફાયરિંગમાં મોતની સંખ્યાના લઇને વિસંગતા જોવા  મળી રહી છે. કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સવારના દસ વાગ્યા સુધીમાં 13થી વધારે લોકોના મોત નિપજ્યાં છે.

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. તેમણે આ કેસની તપાસ માટે તેમણે SITની રચના પણ કરી દીધી છે. મુખ્યમંત્રીએ ટ્વિટમાં લખ્યું હતું કે, મોનના ઓટિંગ ખાતે નાગરિકોની હત્યાએ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય ઘટના છે  ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વિટમાં લખ્યું હતું કે, નાગાલેન્ડના ઓટિંગ ખાતેની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી ખૂબ જ વ્યથિત છું. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી ગાઢ સંવેદના વ્યક્ત કરૂ છું.

હુમલામાં માર્યા ગયેલા લોકો એક પિકઅપ મિની ટ્રક દ્વારા પરત આવી રહ્યા હતા. સ્થાનિક સૂત્રોના કહેવા પ્રમાણે ઘટના શનિવારે સાંજે 4:00 કલાક આસપાસના સમયે બની હતી.

(9:06 pm IST)