Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઇડીએ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનું નિવેદન નોંધ્યું : લગભગ પાંચ-છ કલાક પૂછપરછ કરી

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં બેલાર્ડ સ્ટેટ ખાતે આવેલી EDની ઓફિસમાં નિવેદન લેવાયું

મુંબઈ : મહારાષ્ટ્ર પોલીસ વિભાગમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં પરમબીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરનું નિવેદન નોંધવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંબંધિત ગેરકાયદે વસુલી કેસમાં ભૂતપૂર્વ સસ્પેન્ડેડ પોલીસ અધિકારીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં બેલાર્ડ સ્ટેટ ખાતે આવેલી EDની ઓફિસમાં નોંધવામાં આવ્યું છે.

પરમબીર સિંહે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા. તે આરોપોના જુદા જુદા પાસાઓ પર સિંહ સાથે સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરની લગભગ પાંચ-છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા EDએ પરમબીર સિંહને ત્રણ વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. પૂછપરછ બાદ પરમબીર સિંહનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેને વધુ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

પરમબીર સિંહે ED સમક્ષ આપેલું નિવેદન ઘણું મહત્ત્વનું હોવાનું કહેવાય છે. 59 વર્ષીય પરમબીર સિંહ 1988 બેચના IPS ઓફિસર છે. પરમબીર સિંહના આરોપોના આધારે ED દ્વારા અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે તલોજા જેલમાં બંધ છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ પર તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. પરમબીર સિંહે આરોપ લગાવ્યો છે કે અનિલ દેશમુખ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરતા હતા. જોકે NCP નેતા અનિલ દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા છે.

અહીં શિવસેનાની મહા વિકાસ આઘાડી સરકારે પણ પરમબીર સિંહ અને અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ નોંધ્યો છે. આ પછી બિલ્ડર અને અન્ય કેટલાક લોકોએ પણ પરમબીર સિંહ વિરુદ્ધ ગેરકાયદે વસૂલાતના કેસ દાખલ કર્યા છે

(12:00 am IST)