Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મહિલા હોકી ટીમની ટીમની ધમાકેદાર શરૃઆત :થાઈલેન્ડને ૧૩-૦થી કચડ્યું

ગુરજીત કૌરે પાંચ ગોલ ફટકાર્યા :લિલીમા અને જ્યોતિએ બે-બે ગોલ નોંધાવ્યા: કાલે ભારત અને મલેશિયા વચ્ચે મુકાબલો

ભારતની મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધમાકેદાર શરૃઆત કરતાં થાઈલેન્ડ સામે ૧૩-૦થી વિજય મેળવી લીધો હતો. ગત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલીસ્ટ ભારતીય મહિલા ટીમ તરફથી ગુરજીત કૌરે પાંચ ગોલ ફટકાર્યા હતા. જ્યારે લિલીમા અને જ્યોતિએ બે-બે ગોલ નોંધાવ્યા હતા. હવે આવતીકાલે સવારે ૭.૦૦ વાગ્યાથી ભારત અને મલેશિયા વચ્ચે મુકાબલો ખેલાશે.

છ દેશોની એશિયન વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની આ આત્મવિશ્વાસભરી શરૃઆત કરી હતી. ટોક્યો ઓલિમ્પિકમા જબરજસ્ત સફળતા મેળવતા છેક સેમિ ફાઈનલ સુધીની સફર ખેડનારી ભારતીય હોકી ટીમ થોડા માટે બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ હતી. જે પછી ભારતે હવે ૨૦૨૩ના પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૃ કરી દીધી છે.

સાઉથ કોરિયાના ડોન્ગહાઈમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં ગુરજીત કૌરે બીજી, ૧૪મી, ૨૪મી, ૨૫મી અને ૫૮મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. જ્યારે લિલીમા અને જ્યોતિએ બે-બે ગોલ નોંધાવ્યા હતા. વંદના, રાજવિન્દર કૌર, સોનિકા અને મોનિકાએ પણ એક-એક ગોલ નોંધાવ્યો હતો. થાઈલેન્ડની ટીમ એક પણ ગોલ કરી શકી નહતી. અન્ય મેચમાં જાપાને ડિફેન્ડિંગ ચેમ્પિયન સાઉથ કોરિયાને ૧-૦થી આંચકાજનક પરાજય આપ્યો હતો.

(12:00 am IST)