Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમિક્રોનને લઈને સરકાર સતર્ક છે : આરોગ્ય મંત્રી

ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી : દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ : કુલ ૮૭૯૫૯ બેડની વ્યવસ્થા કરવામાં આવી

ગાંધીનગર, તા.૫ : જામનગર ખાતે ઓમિક્રોનનો ગુજરાતનો પ્રથમ કેસ મળ્યો છે. આ સાથે જ IIT કાનપુરના પ્રોફેસર મનિંદર અગ્રવાલે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે સૌથી મોટી ચેતવણી કરી છે. ત્યારે ફરી આ મહામારીનો ડર છવાયો છે. આવામાં ગુજરાત સરકાર લડવા માટે કેટલી તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર સતર્ક છે. ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે. કુલ ૮૭૯૫૯ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં ટેસ્ટીંગની વ્યવસ્થા માટે તેમણે કહ્યું કે, શંકાસ્પદ કેસોના કિસ્સામાં પ્લેનમાં તેમની સાથે આવેલા એટલે કે સીટની આગળની ૩ લાઈન અને પાછળની ૩ લાઈનમાં બેઠેલા મુસાફરોના ટેસ્ટ કરાશે. અન્ય શંકાસ્પદ કેસ હાઈરિસ્ક દેશોમાંથી આવ્યા છે. પરંતુ ઓમિક્રોન વધે તો તેની સામે લડવા માટે ગુજરાત સરકાર તૈયાર છે. વધુ પ્રમાણમાં હજુ ટેસ્ટીંગ થાય તેની સૂચના અપાઈ છે. દરેક કોર્પોરેશન સ્તરે અને જીલ્લા સ્તરે પણ સૂચનાઓ અપાઈ છે. અન્ય લોકોની જેમ તેમને પણ નિયમોનું પાલન કરાવાશે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના ૬૫૫૧ બેડ ઉપલબ્ધ છે. ૬૨૯૮ ICU બેડ, ૪૮૭૪૪ ઓક્સિજન બેડ, ૧૯૭૬૩ જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે ૫૯૭ વેન્ટીલેટર, ૧૦૬૧ ICU, ૩૨૧૯ ઓક્સિજન અને ૨૩૪૨ જનરલ બેડની વ્યવસ્થા ઉભી છે. રેમડેસિવીરનો ૩૩૪૯૭૩ સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે. રાજ્યમાં ૧૨૧ RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં ૫૮ સરકારી અને ૬૩ પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં ૯૩.૩ ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં હજુ પણ ૩૩૨૬૭૯૪ લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ ૪૦,૩૧,૪૫૫ લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે.

સાથે જ પ્રજાની બેદરકારી અંગે પણ આરોગ્ય મંત્રીએ કહ્યું કે, સરકારની સાથે-સાથે પ્રજાની જવાબદારી પણ છે. કેસ ઘટયા તેમ વલણ ઢીલું કરાયું છે. ૩૦ નવેમ્બરના રોજ નિયમો એવા જ રાખવામાં આવ્યા છે. ગંભીર સ્થિતિ એવી દેખાતી નથી. જે દેશમાં કેસ નોંધાયા છે ત્યાં મૃત્યુ થયું નથી.

(12:00 am IST)