Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

લોકોએ કોરોનાની ચિંતાને કોરાણે મૂકી દીધી

ઓમિક્રોન છતાં દેશમાં દર ત્રણે એક વ્યકિત માસ્ક પહેરતો નથી

દેશમાં માસ્ક પહેરવાનો દર નવેમ્બરમાં ગગડીને બે ટકાએ આવી ગયો

નવી દિલ્હી, તા.૬: દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો કેસ સામે આવ્યા પછી વધતી જતી ચિંતાઓ છતાં પણ લોકો માસ્ક પહેરવાના નિયમોનું જોઈએ તેવું પાલન કરતાં નથી. એક સર્વેક્ષણ મુજબ દર ત્રણમાંથી એક ભારતીયનું કહેવું છે કે તેમના વિસ્તારના મોટાભાગના લોકો ઘરોમાંથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી.

ફકત બે ટકા લોકો જ માને છે કે તેમના વિસ્તારમાં લોકો માસ્ક પહેરવાના નિયમનું પાલન કરે છે. ડિજિટલ સમુદાય આધારિત પ્લેટફોર્મ (લોકલ સર્કલ) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ મુદ્દે દેશના ૩૬૪ જિલ્લાઓમાં ૨૫ હજાર લોકોના પ્રતિસાદોને આવરી લેવાયા હતા. તેમા ૨૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવાનો દર સારો છે.

સપ્ટેમ્બરમાં દેશમાં માસ્ક પહેરવાનો દર દ્યટીને ૧૨ ટકાએ પહોંચી ગયો હતો. નવેમ્બરમાં તો આ દર ફકત બે ટકા જ રહી ગયો હતો. ડિજિટલ પ્લેટફોર્મના સ્થાપક સચિન ટપરિયાનું કહેવું છે કે તે અત્યંત જરૂરી છે કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખતા કેન્દ્ર અને રાજય સરકારો માસ્ક પહેરવાનું પાલન કરાવવા જાગૃતિ ફેલાવે અને તેનું પાલન કરવા માટે જરુરી કાયદાકીય કાર્યવાહી કરવા પગલાં ઉઠાવે.

અહેવાલમાં કહેવાયું છે કે એક ઇન્ડોર જગ્યાએ જો ચેપગ્રસ્ત વ્યકિતએ માસ્ક ન પહેર્યો તો તે ફકત દસ મિનિટમાં બીજાને વાઇરસ આપી શકે છે. ગલે ઓમિક્રોન વેરિયન્ટ અંગે ચેતવણી આપવામાં આવી રહી છે તો માસ્ક પહેરવુ જરુરી થઈ પડયું છે. આ વેરિયન્ટ વિશ્વના ૪૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયો છે.

(10:05 am IST)