Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

લગ્નની નોખી પત્રિકા, પરિવારનું અનોખું આમંત્રણ

જૈન પરિવારે એકની એક દીકરીનાં લગ્નની તૈયાર કરી ડિજિટલ આમંત્રણ પત્રિકા : એપના માધ્યમથી ઓડિયો મેસેજ અને વોટ્સએપ ચેટની ઇમેજમાં આમંત્રણ : ૨૦૦૦ રૂપિયાની નોટમાં હતી પરિવારની માહિતી

મુંબઇ,તા. ૬: મલાડ-ઈસ્ટમાં ડાહ્યાભાઈ પટેલ રોડ પર રહેતા અને જૈન સમાજના દીક્ષા, વિદાય, તપશ્ચર્યા, અનુષ્ઠાન જેવા અનેક કાર્યક્રમોમાં નિઃશુલ્ક પોતાની સેવા આપનાર સંજય હરખચંદ વખારિયાએ પોતાની એકની એક દીકરીનાં લગ્નની આમંત્રણપ ત્રિકા કંઈક અનોખી રીતે તૈયાર કરી છે. એક રીતે આ પ ત્રિકાને ડિજિટલ પણ કહી શકાય. આખી પત્રિકામાં માતા-પિતા, દાદા-દાદી અને દીકરીનો પ્રેમ અનુભવી શકાય છે.

સંજય અને હીના વખારિયાની દીકરી લેશાનાં ૬ ડિસેમ્બરે લગ્ન છે અને પીઠીના કાર્યક્રમથી પ્રસંગની શરૂઆત થઈ ગઈ છે. આ લગ્નની કંકોતરી ખૂબ અનોખી રીતે બનાવવામાં આવી છે. આ કંકોતરી વિશે માહિતી આપતાં સંજય વખારિયાના મિત્ર સંજય શાહે જણાવ્યું હતું કે 'જૈન સમાજના મોટા ભાગના સામાજિક કાર્યક્રમોમાં સંજયભાઈ પોતાની સેવા આપતા હોય છે. તેઓ ખૂબ પ્રભાવશાળી પ્રવકતા છે. તેમની દીકરી લેશાનાં લગ્નની આમંત્રણ પત્રિકા ખૂબ અનોખી એટલા માટે છે કારણ કે એમાં ઓડિયો સાંભળવાની સાથે અન્ય ઘણી બાબત અલગ છે. કંકોતરી ખોલીએ એટલે પહેલા પાને દિલનો દસ્તાવેજ કરીને ગૂગલ પ્લે પરથી એપ ડાઉનલોડ કરવાની માહિતી છે. એ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એ પાના પરના કમળના ફૂલ પર મોબાઇલ રાખીએ તો એ સ્કેન થશે અને લેશાનાં સ્વ. દાદી સૂર્યાબહેનનો (જેમાં હીનાબહેને અવાજ આપ્યો છે) લેશા માટે ખૂબ ભાવુક કરતો ઓડિયો-સંદેશ છે. ત્યાર બાદ બીજા પાને વોટ્સએપ પર વાત કરતા હોય એ ચેટ સ્વરૂપમાં લગ્નની માહિતી આપતું આમંત્રણ આપવામાં આવ્યું છે.'

આ વિશે વધુ માહિતી આપતાં સંજયભાઈ કહે છે, 'ચેટની બાજુમાં એક કવર જેવું છે. એની અંદર ૨૦૦૦ રૂપિયાની નોટ બનાવી છે. આ નોટ પર લેશા અને શ્રેયનો ફોટો છે. જનની તરીકે હીનાબહેન અને જનક તરીકે સંજયભાઈએ લેશાના ઇન-લોઝને પ્રોમિસ આપતાં સિગ્નેચર કરી છે. નોટ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને બદલે ભારતીય બેન્ક ઓફ પ્યાર, રૂપિયાને બદલે વાહ, રૂપ યે!, ૧+૧ = ૧ એટલે બે આત્મા એક જીવ થશે, ૦૬-૧૨-૨૧ તારીખ લખેલી છે. એની બાજુમાં LSS લખેલું છે એટલે લેશા-શ્રેય-શાહ અને Sના નીચે V થોડુંશું દેખાય એમ લખેલું છે. V એટલે વખારિયા. વોટરમાર્કમાં ગાંધીજીના ફોટોની જેમ લેશાનાં સ્વર્ગીય દાદીનો ફોટો છે. બેકસાઇડ પર સ્વચ્છ ભારતનાં ચશ્માંમાં સદાચારી યુગલ, લગ્ન નામને વિવિધ ૧૫ ભાષામાં લખ્યું છે. નીચેની બાજુએ મંગળયાનને બદલે ૧૪ મંગળપ્રયાણનાં સિમ્બોલ છે. દાદાનો ફોટો પણ છે અને એની બાજુમાં પાલખી છે જયાં દાદા તેમની પૌત્રીને પાલખીમાં લઈને જાય છે.

સંજયભાઈએ ઉમેર્યું હતું કે 'સંગીતસંધ્યાની માહિતી માટે સા, રે, ગ, મ, પ, ધ, ની શબ્દથી વાકયો બનાવ્યાં છે. મામેરાનો પણ આખો અર્થ લખ્યો છે. ઉરના સૂરમાં મમ્મી-પપ્પા અને લેશાના શબ્દો લખ્યા છે. ત્યાર બાદ છેલ્લા પાને હસ્તમેળાપ અને મહાવીરસ્વામીની ઇમેજ છે. એપના માધ્યમથી એના પર મોબાઇલ રાખતાં ત્યાં તમને સંજય-હીના વખારિયા અને લેશાનો ઓડિયો મેસેજ સાંભળવા મળશે. સંગીતસંધ્યાથી લઈને લગ્નમાં પારંપારિક વિધિઓ સાથે દ્યણું નવું જોવા મળશે.'

(10:08 am IST)