Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમિક્રોનના ડરથી બુસ્ટર ડોઝ લેવા વિદેશ ભણી લોકોની વાટઃ બ્રિટન,અમેરિકા,દુબઈ ટોપ લિસ્ટમાં

ભારતમાં હજુ બુસ્ટર ડોઝ અંગે નિર્ણય બાકી

નવી દિલ્હી,તા.૬: ફરી એક વખત કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે ત્યારે અનેક દેશ પોતાના નાગરિકોને બુસ્ટર ડોઝ આપી રહ્યા છે. જોકે ભારતમાં હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય નથી લેવાયો ત્યારે એક ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે.

રિપોર્ટ્સ પ્રમાણે ભારતના અનેક લોકો અન્ય દેશમાં જઈને બુસ્ટર ડોઝ લઈ રહ્યા છે. આ લોકોમાં મોટા ઉદ્યોગપતિઓ કે પછી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરતા લોકોનો સમાવેશ થાય છે.

ઉદ્યોગ જગતના લોકોના કહેવા પ્રમાણે તેમને એ વાતની જાણકારી છે કે, તેમની કંપનીના અનેક કર્મચારીઓ ભારતની બહાર બુસ્ટર ડોઝ લેવા માટે યાત્રા કરી રહ્યા છે. લોકો પોતાની ઈમ્યુનિટીને લઈ ચિંતિત છે માટે મેડિકલ એડવાઈઝ બાદ તેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે. એક મોટી કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું કે, તેમના ત્યાં કામ કરતા અનેક કર્મચારીઓ બુસ્ટર ડોઝ લેવા માટે અમેરિકાની યાત્રા કરી ચુક્યા છે. જે લોકો બુસ્ટર ડોઝ માટે ભારતથી વિદેશ યાત્રા કરી રહ્યા છે તેમના ગમતાં દેશ બ્રિટન અને અમેરિકા છે. જ્યારે ફાઈઝરના એકસ્ટ્રા ડોઝ માટે લોકો દુબઈ પણ જઈ રહ્યા છે. એક કંપનીના સીઈઓએ જણાવ્યું કે, ભારતમાં હજુ સુધી બુસ્ટર ડોઝને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો, મને ખબર નથી કે આ કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર. પરંતુ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત છે અને પોતાને બચાવવા ઈચ્છે છે માટે કોઈ જોખમ લેવા નથી માગતા.

(2:56 pm IST)