Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઇન્ડોનેશિયામાં સેમેરૂ નામનો સક્રિય જ્વાળામુખી પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠતાં 13 લોકોના મોત નિપજ્યા

બચાવ ટુકડીના જવાનોએ આ દુર્ઘટનામાં ફસાઇ ગયેલા 10 લોકોને બચાવી લઇ તેઓને સલામત સ્થળે ખસેડી લીધાઃ આ ઘટનાના પગલે જ્વાળામુખીની નજીકના વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ભયનું મોજુ ફરી વળ્યું

જાકાર્તા : ઇન્ડોનેશિયામાં સેમેરૂ નામનો સક્રિય જ્વાળામુખી પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠતાં 13 લોકોના મોત નિપજ્યા હતા એમ ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીએ રવિવારે કહેતાં ઉમેર્યું હતું કે આ ઘટનામાં એક ડઝન લોકોને ઇજા પણ થઇ હતી. બચાવ ટુકડીના જવાનોએ આ દુર્ઘટનામાં ફસાઇ ગયેલા 10 લોકોને બચાવી લઇ તેઓને સલામત સ્થળે ખસેડી લીધા હતા.

ઇન્ડોનેશિયાનો સૌથી ઉંચો ગણાતો સેમેરૂ જ્વાળામુખી જાવાની પૂર્વ દિશામાં આવેલા એક રાજ્યમાં આવેલા છે જે શનિવારે પ્રચંડ વિસ્ફોટ સાથે ભભૂકી ઉઠયો હતો જેના પગલે તેમાંથી વિકરાળ આગની જ્વાળાઓ લપકા મારતી જોવા મળી હતી.

તે સાથે કાળા ડિબાંગ ધૂમાડા અને રાખના ગોટેગોટા ઉઠતાં આસપાસના ગામડાઓ ઉપર કાળા વાદળો ઘેરાઇ ગયા હતા. આ ઘટનાના પગલે જ્વાળામુખીની નજીકના વિસ્તારોમાં આવેલા ગામડાઓમાં ભયનું મોજુ ફરી વળ્યું હતું અને લોકોએ નાસબાગ મચાવી દીધી હતી.

આ જ્વાળામુખીના પ્રસ્ફોટના કારણે નજીકમાં આવેલા લુમાજાંગ જિલ્લાના શહેરી વિસ્તારને અન્ય વિસ્તારો સાથે જોડતા એક અત્યંત મહત્વના પૂલ વ્યાપક પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો. એમ એજન્સીના અધિકારી અબ્દુલ મુહારીએ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં કહ્યું હતું.

માર્યા ગયેલા 13 લોકો પૈકી અત્યાર સુધી ફક્ત બે લોકોની જ ઓળખ કરી શકાઇ છે. આ કુદરતી હોનારતમાં નાની મોટી ઇજા પામનારા લોકોનો આંક અત્યાર સુધી 98 ઉપર પહોંચી ગયો છે. રાહત અને બચાવ ટુકડીના જવાનોએ ભારે પ્રયાસો કરીને અસરગ્રસ્ત વિસ્તારના 902 લોકોનું સલાત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું.

સરકારી અધિકારીએ કહ્યું હતું કે જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે રેત ખનનમાં વ્યસ્ત 10 લોકો ફસાઇ ગયા હતા, જેઓને ભારે જહેમત બાદ બચાવી લેવાયા હતા. અત્યાર સુધી 35 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો લુમાજાંગ જિલ્લાના અધિકારીનું કહેવું છે કે 41 લોકો દાઝી જવાથી ઇજા પામ્યા છે.

(5:27 pm IST)