Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના શિખર સંમેલનમાં સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેક્નોલોજીના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના

શિખર સમિટ સાથે પહેલી ‘ટુ પ્લસ ટુ’ સુરક્ષા અને વિદેશ મંત્રી સ્તરીય વાતચીતમાં બંને પક્ષો અફઘાનિસ્તાનની સ્થિતિ અને લશ્કર-એ- તોયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા સમૂહો સહિત આતંકવાદના વધતા જોખમ પર પણ વાતચીત કરે તેવી શક્યતા

નવી દિલ્હી: ભારત અને રશિયાના સંબંધોને નવો આયામ આપવાની તૈયારી ચાલી રહી છે. આને ધ્યાનમાં રાખીને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના શિખર સંમેલનમાં સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેક્નોલોજીના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

શિખર સમિટ સાથે પહેલી ‘ટુ પ્લસ ટુ’ સુરક્ષા અને વિદેશ મંત્રી સ્તરીય વાતચીતમાં બંને પક્ષો અફઘાનિસ્તાનની સ્થિતિ અને લશ્કર-એ- તોયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા સમૂહો સહિત આતંકવાદના વધતા જોખમ પર પણ વાતચીત કરે તેવી શક્યતા છે.

એવું કહેવાઈ રહ્યું છે કે શિખર સમિટ બાદ જારી થનારા સંયુક્ત નિવેદનમાં સરહદ પાર આતંકવાદ અને અફઘાન સંકટને લીધે સુરક્ષા પર થનારી અસરને લઈને ભારતની ચિંતા વ્યક્ત થઈ શકે છે. પુતિન સોમવારે એટલે કે આજે દિલ્હી પહોંચશે, જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સુરક્ષા મંત્રી સર્ગેઈ શોયગૂ ગઈ કાલે રાત્રે જ પહોંચી આવ્યા છે.

નવી દિલ્હીમાં આયોજિત 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટ ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર મહોર લાગશે. છેલ્લી ભારત-રશિયા વાર્ષિક સમિટ સપ્ટેમ્બર 2019માં થઈ હતી જ્યારે મોદીએ વ્લાદિવોસ્તોકની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે કોવિડ-19 મહામારીને કારણે સમિટ થઈ શકી ન હતી. સમિટ પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન મુલાકાત કરશે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સાંજે 5.30 કલાકે સમિટની શરૂઆત કરશે અને રશિયન નેતા 9.30 કલાકે દિલ્હીથી ઉડાન ભરશે. સમિટને ધ્યાનમાં રાખીને ભારતે અમેઠીના કોરવામાં પાંચ લાખથી વધુ AK-203 એસોલ્ટ રાઇફલ્સના નિર્માણ માટે લગભગ રૂ. 5,000 કરોડના પેન્ડિંગ AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરારને મંજૂરી આપી છે.

બંને પક્ષો લોજિસ્ટિક્સ સહકાર સમજૂતી માટે વાટાઘાટોના અંતિમ તબક્કા પૂર્ણ કરે તેવી પણ અપેક્ષા છે. આ કરાર પર શિખર મંત્રણા અથવા ‘ટુ પ્લસ ટુ’ વાટાઘાટોમાં હસ્તાક્ષર થઈ શકે છે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમનું એક મોડેલ પણ સોંપશે.

(5:29 pm IST)