Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજયમાં સતત બીજા વર્ષે પણ 31 ડિસેમ્બરના રોજ એક પણ હોટલ, કલબ અને પાર્ટી પ્લોટને સેલિબ્રેટ કરવા માટે મંજૂરી અપાશે નહીંઃ ઓમિક્રોનની એન્ટ્રી પણ થઈ ગઈ છે તેથી સાવચેતીના પગલે મંજૂરી આપવામાં નહી આવે

પોલીસ દ્વારા તમામ પાર્ટી પ્લોટ, કલબમાં ચાંપતી નજર રાખવામાં આવશે

અમદાવાદઃ રાજયમાં સતત બીજા વર્ષે પણ 31 ડિસેમ્બરના રોજ એક પણ હોટલ, કલબ અને પાર્ટી પ્લોટને સેલિબ્રેટ કરવા માટે મંજૂરી અપાશે નહીં. જો કે, કોરોના વાયરસના કેસો સતત છેલ્લા એક અઠવાડિયાથી વધતા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ ઓમિક્રોનની એન્ટ્રી પણ થઈ ગઈ છે. સાવચેતીના પગલે મંજૂરી આપવામાં નહી આવે. પોલીસ દ્વારા તમામ પાર્ટી પ્લોટ, કલબમાં ચાંપતી નજર રાખવામાં આવશે.

કોરોનાના કારણે હાલમાં પણ લગ્ન સહિતના પ્રસંગોમાં માત્ર 400 માણસોને જ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ઓમિક્રોનનો સંભવિત ખતરો પણ છે. જેની ગંભીરતાથી નોંધ લઈને રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ પણ સરકારે રદ કર્યો છે. જ્યારે સ્કૂલો પણ ઓફલાઈન બંધ કરીને ઓન લાઈન શરૂ કરવા માગણી કરવામાં આવી છે.

જેના કારણે એક પણ ડાન્સ પાર્ટીના આયોજકે હજુ સુધી પોલીસની મંજૂરી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી જ નથી. જ્યારે ડાન્સ પાર્ટી યોજતા આયોજકોનું કહેવું છે કે હજુ સુધી સરકારે 31 મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી યોજવા માટે મંજુરી આપવાની સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી. જેના કારણે પોલીસ દ્વારા પણ આ દિશામાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

ક્લબો, હોટલો, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ મળીને 75 જગ્યાએ દર વર્ષે 31 ડિસેમ્બરે રાતે ડાન્સ પાર્ટી યોજાતી હતી. પરંતુ 2020થી કોરોનાના કારણે આ તમામ જગ્યાએ ડન્સ પાર્ટીઓ રદ કરી દેવાઈ છે. રાજ્યમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાતા પાર્ટીઓનું આયોજન પડી ભાગ્યું છે.

31 મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી માટે કમિશનર કચેરીની લાઈસન્સ બ્રાંચની મંજૂરી લેવી પડે છે. જેમાં કેટલા માણસો આવવાના છે, તેમના પાર્કિંગની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, એન્ટ્રી – એકઝીટ ગેટ ઉપર ડોર ફ્રેમ મેટલ ડિટેકટર સહિતના ધારા ધોરણ બાદ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

(5:30 pm IST)