Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભારત-પાક. સરહદે બાળક જન્મતા બોર્ડર નામ રાખ્યું

૭૦ દિવસથી દંપતી અટારી સરહદ પર ફસાયું હતું : સ્થાનિક લોકોએ દંપતિને ઘણી સુવિધા કરી આપી અને નવજાત બાળક માટે મેડિકલની વ્યવસ્થા પણ કરી હતી

ચંદિગઢ, તા. : માતા-પિતા અમુક ખાસ સંજોગોમાં જન્મેલા બાળકોને અનોખા નામ આપતા હોય છે. આવા અનેક કિસ્સા પહેલા પણ સામે આવી ચૂક્યા છે. પાછલા ૭૦ દિવસથી અટારી સરહદ પર ફસાયેલા પાકિસ્તાની કપલે પણ આવું કંઈક કર્યું છે. બીજી ડિસેમ્બરના રોજ તેમના પરિવારે એક નાનકડા મહેમાનનું સ્વાગત કર્યું અને તેને નામ આપ્યુંબોર્ડર. રિપોર્ટ અનુસાર, મહિલાની ડિલિવરી ભારત અને પાકિસ્તાન બોર્ડર પર થઈ હતી, માટે દંપતિએ દીકરાનું નામ બોર્ડર રાખવાનું નક્કી કર્યું. પંજાબ વિસ્તારના રાજનપુર જિલ્લામાં રહેતા નિંબુ બાઈ અને બલમ રામ તેમજ અન્ય ૯૭ પાકિસ્તાની નાગરિકો બોર્ડર પર રહે છે. રિપોર્ટ અનુસાર, બીજી ડિસેમ્બરના રોજ નિંબુ બાઈને પ્રસવ પીડા ઉપડી તો પાડોશી ગામની અનેક મહિલાઓ તેની મદદ કરવા માટે બોર્ડર સુધી પહોંચી હતી. સ્થાનિક લોકોએ દંપતિને ઘણી સુવિધા કરી આપી અને નવજાત બાળક માટે મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા પણ કરી હતી. બાળકના પિતા જણાવે છે કે, તેઓ અને પાકિસ્તાનના અન્ય નાગરિકો જરૂરી દસ્તાવેજોની કમીને કારણે ભારતની તીર્થ યાત્રા પછી ઘરે પાછા નથી ફરી શક્યા. ૯૭ નાગરિકોમાંથી ૪૭ બાળકો છે. તેમાંથી છનો જન્મ ભારતમાં થયો છે અને તેમની ઉંમર એક વર્ષથી ઓછી છે.

નામની આવી રસપ્રદ કહાણીઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે. ગત વર્ષે અલાસ્કા સ્થિત એક માતાએ પોતાના દીકરાનું નામ સ્કાય રાખ્યુ હતું કારણે ફ્લાઈટમાં તેનો જન્મ થયો હતો. ભારતની વાત કરીએ તો, અન્ય એક પાકિસ્તાની નાગરિકે પોતાના દીકરાનું નામ ભારત રાખ્યુ હતું કારણકે તેનો જન્મ જોધપુરમાં થયો હતો. તેઓ ભાઈને મળવા જોધપુર આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર પાછા નહોતા ફરી શક્યા. આટલું નહીં, ગત વર્ષે જ્યારે કોરોના મહામારીની શરુઆત થઈ ત્યારે એવા સમાચાર સામે આવ્યા હતા કે ઘણાં માતા-પિતાએ પોતાના બાળકના નામ લોકડાઉન, કોરોના, સેનેટાઈઝર વગેરે આપ્યા હતા.

(7:53 pm IST)