Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કર્ણાટક બાદ હવે બિહારમાં થશે જાતિ આધારિત વસતી ગણતરી: નીતીશકુમારની મોટી જાહેરાત

વસતી ગણતરીનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે: કોઈ વ્યક્તિ છૂટી ન જાય તેની ખાસ કાળજી લેવાશે

પટના :જનતા દરબાર મુખ્યમંત્રી કાર્યક્રમ બાદ સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે અમે રાજ્યમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ માટેનો સમગ્ર ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. કયા માધ્યમથી આ વસતી ગણતરી કરવામાં આવશે તે અંગે તૈયારી ચાલી રહી છે. 

નીતિશ કુમારે જણાવ્યું કે અમે એવી જાતિ વસતી ગણતરી કરીશું જેમાં કોઈ બાકી રહી નહીં જાય. મુખ્યમંત્રીએ કહ્યું કે બિહાર સરકાર પારદર્શક રીતે વસ્તી ગણતરી હાથ ધરશે. કોઈ ભૂલ નહીં થાય. તમામ રાજકીય પક્ષો સંમત થયા છે. અમે ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક કરવાના છીએ. ડેપ્યુટી સીએમએ તેમના પક્ષના તમામ લોકો સાથે વાત કરી છે. તારીખ નક્કી કર્યા બાદ તરત જ સર્વપક્ષીય બેઠક યોજાશે

ભારતમાં અત્યાર સુધી બે રાજ્યોએ જાતિ આધારિત વસતી ગણતરી કરવાની જાહેરાત કરી છે. કર્ણાટક બાદ હવે બિહાર પણ જાતિ આધારિત વસતી ગણતરી કરશે. 

મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સહિત બિહારમાં 10 પક્ષોના નેતાઓએ ઓગસ્ટમાં આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નેતાઓએ વડા પ્રધાન સાથે ૨૦૨૧ ની વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીની માંગ અંગે ચર્ચા કરી હતી.

બિહારમાં ભાજપ સિવાય તમામ પક્ષો જાતિ ગણતરીની માંગ કરી રહ્યા છે. જોકે કેન્દ્રની મોદી સરકારે તેનો ઇનકાર કરી દીધો હતો. 

(8:12 pm IST)