Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે દેશના 3 મોટા નિષ્ણાંતોએ લોકડાઉન પર કહી મોટી વાત : કેટલીક ચેતવણી આપી

શું લોકડાઉન એ વાયરસની ગતિને બ્રેક મારવાનો એકમાત્ર રસ્તો છે? અથવા સરકારે ત્રીજા ડોઝ પર પણ વિચાર કરવાનું શરૂ કરવું જોઈએ?

નવી દિલ્હી : ભારતમાં ઓમિક્રોનના કેસ વધ્યા છે ત્યારે દેશના 3 મોટા નિષ્ણાંતોએ લોકડાઉન પર નિવેદન આપીને બીજી કેટલીક ચેતવણી આપી છે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે લોકો ચિંતામાં મૂકાયા છે.  નવા વેરિઅન્ટની સ્પીડ અગાઉના ડેલ્ટા વેરિએન્ટ કરતા ત્રણ ગણી વધારે હોવાનું કહેવાય છે. શું લોકડાઉન એ વાયરસની ગતિને બ્રેક મારવાનો એકમાત્ર રસ્તો છે? અથવા સરકારે ત્રીજા ડોઝ પર પણ વિચાર કરવાનું શરૂ કરવું જોઈએ?  આ પ્રશ્નોના જવાબમાં નિષ્ણાતોએ મોટી વાત કહી છે

ચેપી રોગના નિષ્ણાત ડો. ચંદ્રકાંત લહેરિયાએ જણાવ્યું કે વેક્સિન ચોક્કસપણે કોઈપણ વેરિયન્ટની સામે સલામતી ચક્ર પ્રદાન કરે છે. એટલે કે રસી લેનાર વ્યક્તિ રસી ન લેનાર વ્યક્તિ કરતાં વધુ સલામત છે. પરંતુ સંપૂર્ણ સુરક્ષા માટે બંને ડોઝ લેવા મહત્વપૂર્ણ છે. જેમણે ફક્ત એક ડોઝ લીધો છે તેઓએ શક્ય તેટલી વહેલી તકે બીજો ડોઝ લેવો જોઈએ. દેશમાં હજી પણ લગભગ ૧૫ ટકા પુખ્ત વયના લોકો છે જેમણે કોઈ ડોઝ લીધો નથી. આવી સ્થિતિમાં લોકોને રસી વિશે જાગૃત કરવાની જરૂર છે. બુસ્ટર ડોઝ એટલે કે ત્રીજા ડોઝ અંગે ડો.લહેરિયાએ જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો હજુ સુધી જેમણે વેક્સિન લીધી નથી તેમને વેક્સિન આપવાની જરુર છે. 

 

નવો વેરિએન્ટ અગાઉના ડેલ્ટા વેરિએન્ટ કરતા વધુ ખતરનાક હોવાનું કહેવાય છે. નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોન વેક્સિન લેનાર લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. આવી સ્થિતિમાં લગ્નની મોસમ, પાર્ટીઓ અને બજારમાં વધતી ભીડ ફરી વાર વિનાશનું કારણ ન બને તે જોવું જરુરી છે. વાયરોલોજીસ્ટ ડો.દીપક આચાર્યએ જણાવ્યું હતું કે ,'ઓમિક્રોનને અટકાવવા લોકડાઉન એકમાત્ર વિકલ્પ નથી. મહત્વની વાત એ છે કે લોકોએ વ્યક્તિગત રીતે પોતાની સતર્ક રહેવું જોઈએ. બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું જોઈએ. સ્વ-પ્રતિબંધ તમને લોકડાઉન કરતાં વાયરસથી વધુ બચાવશે

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.રાહુલ પંડિતે જણાવ્યું હતું કે, "નવા કોરોના વેરિએન્ટના કેસ પ્રકાશમાં આવ્યા બાદ લોકોએ ગભરાવાની જરૂર નથી. નવા વેરિયન્ટથી બચવા માટે ચહેરા પર સરસ માસ્ક પહેરો. બહાર નીકળતા પહેલા તમે ડબલ માસ્ક પહેરી શકો છો. તેમજ જે લોકોએ વેક્સિનનો ડોઝ લીધો નથી તેમણે શક્ય તેટલી વહેલી વેક્સિન લઈ લેવી જોઈએ. 

(10:31 pm IST)