Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શિવસેના UPAમાં જોડાશે? :મંગળવારે રાહુલ ગાંધી અને બુધવારે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરશે સંજય રાઉત

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને પગલે શિવસેનાની યુપીએમાં જોડાવાની શક્યતા વધી

મુંબઈ :મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીનો પ્રયોગ કરી શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવી છે. આ માટે શિવસેના 2019માં એનડીએમાંથી બહાર આવી હતી. 2022માં યોજાનારી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શિવસેનાની યુપીએમાં જોડાવાની શક્યતા વધી ગઈ છે. સૂત્રો દ્વારા આ માહિતી મળી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત આવતીકાલે  રાહુલ ગાંધી અને બુધવારે પ્રિયંકા ગાંધીને મળવાના છે.

આગામી પાંચ રાજ્યોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શિવસેના નિર્ણાયક નિષ્કર્ષ પર પહોંચતી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુંબઈની મુલાકાત દરમિયાન યુપીએ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે યુપીએ ક્યાં છે? રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે અડધો સમય વિદેશમાં રહીને રાજકારણ નથી થતું.

મમતા બેનર્જીના આ નિવેદન બાદ સંજય રાઉતે માત્ર ઉલટું નિવેદન જ નથી આપ્યું, પરંતુ શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખીને સ્પષ્ટતા કરી હતી કે જો ભાજપને સત્તામાં આવતુ રોકવું હશે તો કોંગ્રેસ મહત્વની ભૂમિકા ભજવશે. આ પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ પણ સંજય રાઉતના નિવેદન અને સામનામાં લખેલા લેખનું સ્વાગત કર્યું હતું. આ પહેલા નાના પટોલે સંજય રાઉતની ટીકા કરતા રહ્યા છે.

તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ સંજય રાઉત અંગે ફરિયાદ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે ‘સામના’ કોણ વાંચે છે? આ રીતે છેલ્લા કેટલાક દિવસોથી પ્રદેશ કોંગ્રેસના વલણમાં પણ ફરક જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને શિવસેના ઘણાં નજીક આવી ગયા છે. આ તસવીરમાં સંજય રાઉત રાહુલ ગાંધીને ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા હતા. હવે જ્યારે સંજય રાઉત મંગળવારે રાહુલ ગાંધીને મળશે અને બુધવારે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરશે, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમાચાર છે કે UPAમાં શિવસેનાના સમાવેશ અંગે ચર્ચા થશે.

(12:17 am IST)