Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

હવે એટીએમમાંથી નીકળશે સોનુ: હૈદરાબાદમાં પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ લગાવાયું 

ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ATMમાંથી 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ખરીદી શકાશે

નવી દિલ્હી : ગ્રાહકો હવે ATMમાંથી સોનું ખરીદી શકશે ,તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ લગાવવામાં આવ્યું છે. આ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમમાંથી સોનાના સિક્કા ઉપાડી શકાય છે.


હૈદરાબાદ સ્થિત કંપની ગોલ્ડસિક્કા પ્રાઇવેટ લિમિટેડે ઓપનક્યુબ ટેક્નોલોજીસની મદદથી આ એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે. ગ્રાહકો એટીએમ દ્વારા સોનાના સિક્કા ખરીદવા માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

સોનાની ખરીદી અને વેચાણનો વ્યવસાય કરતી ગોલ્ડસિક્કાના સીઈઓ સી. તરુજના જણાવ્યા અનુસાર, લોકો આ ATMનો ઉપયોગ કરીને 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ખરીદી શકે છે. આ ATM પર સોનાની કિંમત લાઈવ અપડેટ કરવામાં આવશે. ગોલ્ડ એટીએમ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે.

તરુજના જણાવ્યા અનુસાર, કંપની પેડ્ડાપલ્લી, વારંગલ અને કરીમનગરમાં પણ ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના બનાવી રહી છે. કંપની આગામી 2 વર્ષમાં ભારતભરમાં લગભગ 3,000 ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના ધરાવે છે.

દેશનું પહેલું ગ્રીન એટીએમ ગયા વર્ષે હરિયાણાના ગુરુગ્રામમાં સ્થપાયું હતું. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી અને ખોરાક-પુરવઠાનો હવાલો સંભાળતા દુષ્યંત ચૌટાલાએ કહ્યુ છે કે, અનાજના એટીએમની પણ સ્થાપના કરવાથી સરકારી દુકાનોમાંથી રાશન લેનારાઓને સંપૂર્ણ અને સમયસર અનાજ મળશે અને તમામ ફરિયાદો દૂર થઈ જશે. તેમણે કહ્યું હતું કે, આ મશીન ઇન્સ્ટોલ કરવાનો હેતુ "રાઈટ ક્વોન્ટિટી ટુ રાઈટ બેનિફિશ્યરી" છે. આનાથી માત્ર ગ્રાહકોને જ ફાયદો થશે નહીં, પરંતુ સરકારી ડેપોમાં અનાજની અછતની ઝંઝટનો પણ અંત આવશે.

(11:53 pm IST)