Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

કૃષ્‍ણજન્‍મ સ્‍થળે આવેલી મસ્‍જિદમાં હનુમાન ચાલીસા વાંચવાનું એલાન

પોલીસ છાવણીમાં ફેરવાયુ મથુરા : અખિલ ભારત હિન્‍દુ મહાસભાએ આજે શાહી ઇદગાહ ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી

મથુરા તા. ૬ : ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં કૃષ્‍ણ જન્‍મભૂમિને બરાબર અડીને આવેલી શાહી ઈદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ વાંચવાની જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. કૃષ્‍ણ જન્‍મસ્‍થાન અને શાહી ઇદગાહ વિસ્‍તારની સુરક્ષાને બે સુપર ઝોન, ચાર ઝોન અને આઠ સેક્‍ટરમાં વહેંચી દેવામાં આવી છે. અન્‍ય જિલ્લાઓમાંથી પણ પોલીસ દળને મથુરા બોલાવી લેવામાં આવ્‍યું છે. લગભગ ૧,૨૦૦થી વધુ પોલીસકર્મીઓને કૃષ્‍ણ જન્‍મભૂમિની આસપાસ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્‍યા છે. ડ્રોન, સીસીટીવી કેમેરા અને ગુપ્તચર એજન્‍સીઓ સતત તોફાની તત્‍વો પર નજર રાખી રહી છે. સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય કે, અખિલ ભારત હિન્‍દુ મહાસભાએ, આજે ૬ ડિસેમ્‍બરના રોજ શાહી ઈદગાહ પર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ કહ્યું હતું કે આજે ૬ ડિસેમ્‍બરે શાહી ઈદગાહ ખાતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. આ એલાન બાદ હિન્‍દુ-મુસ્‍લિમ સંગઠનો સાથે જોડાયેલા લોકોને શાહી ઈદગાહ પાસે આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્‍યો છે. કૃષ્‍ણ જન્‍મભૂમિ અને શાહી ઇદગાહ તરફ જતા માર્ગો ઉપર પણ વાહનો લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

અખિલ ભારત હિંદુ મહાસભાના એક નેતાએ સોમવારે જિલ્લા વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે, જો તેમને ૬ ડિસેમ્‍બરે કૃષ્‍ણ જન્‍મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો તેઓ આત્‍મવિલોપન કરશે. જયારે, વહીવટીતંત્રે દાવો કર્યો છે કે શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાની કોઈપણ વ્‍યક્‍તિ અથવા સંસ્‍થાને મંજૂરી આપવામાં નહી આવે.

પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહે કહ્યું કે અખિલ ભારત હિન્‍દુ મહાસભા અને તેના સમર્થક સંગઠનોની ઇદગાહ પર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાતને ધ્‍યાનમાં રાખીને કૃષ્‍ણ જન્‍મસ્‍થાન અને શાહી ઇદગાહ મસ્‍જિદની આસપાસના વિસ્‍તારમાં સુરક્ષા વ્‍યવસ્‍થા વધારી દેવામાં આવી છે. સોમવારે પોલીસ દળે કૃષ્‍ણ જન્‍મસ્‍થાન અને શાહી ઇદગાહ મસ્‍જિદની આસપાસના વિસ્‍તારમાં ફૂટ માર્ચ પણ કરી હતી.

હિન્‍દુ મહાસભાના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ જણાવ્‍યું હતું કે, મંગળવારે ૬ ડિસેમ્‍બરે જો મને નિર્ધારિત સમય મુજબ બપોરે અભિજીત મુહૂર્તમાં ભગવાન કૃષ્‍ણના જન્‍મસ્‍થળ પર હનુમાન ચાલીસાના પાઠ કરવાની મંજૂરી નહીં મળે તો હું આત્‍મવિલોપન કરીશ. વહીવટીતંત્રની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જો આપણે ભગવાન કૃષ્‍ણની તેમના જન્‍મસ્‍થળ પર પૂજા નહીં કરીએ તો ક્‍યાં કરીશું ? આ જિલ્લા વહીવટીતંત્રે અમને જણાવવું જોઈએ.

દિનેશ શર્માએ એક નિવેદન જાહેર કરીને આરોપ લગાવ્‍યો હતો કે ૬ ડિસેમ્‍બર માટે હિન્‍દુ મહાસભા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ સનાતની ધર્મના અનુયાયીઓ દેશ-વિદેશથી મથુરા પહોંચી રહ્યા છે, જેમને એરપોર્ટ અને રેલ્‍વે સ્‍ટેશન પર અટકાવવામાં આવી રહ્યા છે. જેમ તેમ કરીને કેટલાક લોકો અહીયા પહોચ્‍યાં છે પરંતુ તેમને કૃષ્‍ણ જન્‍મભૂમિની આસપાસની હોટલોમાં રહેવાની છૂટ આપવામાં આવતી નથી. આ વહીવટીતંત્રની દમનકારી નીતિ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અમારા ઘણા કાર્યકરોને નજરકેદ કરી દેવામાં આવ્‍યા છે, પરંતુ હજુ પણ મથુરામાં મોટી સંખ્‍યામાં હાજર સેંકડો કાર્યકરો અને અધિકારીઓ કૃષ્‍ણ જન્‍મસ્‍થળે પહોંચશે.

બીજી તરફ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) શૈલેષ પાંડેએ જણાવ્‍યું હતું કે કોઈ ચોક્કસ વ્‍યક્‍તિ અથવા સંસ્‍થાને જિલ્લાની સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ વ્‍યવસ્‍થાને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં નહી આવે. શૈલેષ પાંડેએ જણાવ્‍યું હતું કે જિલ્લામાં પ્રતિબંધિત આદેશો પહેલેથી જ લાગુ કરી દેવામાં આવ્‍યા છે, જેના કારણે કોઈ નવી પ્રવૃત્તિને મંજૂરી આપી શકાશે નહી.

(10:58 am IST)