Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

PoKમાં પાકિસ્તાની પીએમ શેહબાઝ શરીફની ફજેતી :અપમાન બાદ સ્ટેજ છોડી ભાગવું પડ્યું

શાહબાઝ સરકારે જવાબી કાર્યવાહી કરતા ઈસ્લામાબાદમાં ઈલ્યાસના સેન્ટૌરસ મોલને સીલ કરી દીધો

નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને POKમાં એક કાર્યક્રમ દરમિયાન ભારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમને ભાગવાની ફરજ પડી હતી.

હકીકતમાં PoKના કથિત વડાપ્રધાન સરદાર તનવીર ઈલ્યાસે કાર્યક્રમ દરમિયાન શહેબાઝ શરીફ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ કાશ્મીરીઓની શહાદતને ભૂલી ગયા છે. ઈલ્યાસના અનેક સવાલોથી ગભરાઈને શાહબાઝ એમ કહીને ભાગી ગયા હતા કે, 'તમે કાશ્મીરીઓ માટે મારી વાત સાંભળો છો તમારી સાથે વાત કરીશ.' ત્યાર બાદ શાહબાઝ સરકારે જવાબી કાર્યવાહી કરી અને રાજધાની ઈસ્લામાબાદમાં ઈલ્યાસના સેન્ટૌરસ મોલને સીલ કરી દીધો હતો.પાકિસ્તાની પીએમના આ પગલાથી ઈમરાન ખાન નારાજ થઈ ગયા છે.

ઈમરાન ખાને તેમના નેતા અને પીઓકે પ્રશાસક ઈલ્યાસના મોલને સીલ કરવા બદલ શહેબાઝ શરીફ સરકારની ટીકા કરી હતી. ઈમરાન ખાને ટ્વીટ કર્યું હતું કે, કાશ્મીરીઓના બલિદાનનો ઉલ્લેખ ન કરવા બદલ શહેબાઝ શરીફની નિંદા કરવા માટે PDM માફિયા દ્વારા ઈલ્યાસના મોલને સીલ કરવું એ દર્શાવે છે કે પાકિસ્તાનમાં છેલ્લા 8 મહિનાથી જંગલનો કાયદો ચાલી રહ્યો છે. તે કાશ્મીરી લોકોને નકારાત્મક સંદેશ પણ આપે છે. આદરણીય ન્યાયાધીશો માટે પણ એક પ્રશ્ન છે કે શું તેઓ કાયદાના રક્ષક નથી?'

 પાકિસ્તાનમાં 8 મહિના પહેલા સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત આવ્યા બાદ ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. ઈમરાન ખાને સેનાનું સમર્થન મળતું બંધ કરી દીધું હતું. ઈમરાનની પાર્ટીના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ પણ દાવો કર્યો હતો કે,સરદાર તનવીર શાહબાઝના કાર્યક્રમ દરમિયાન પીઓકેના પ્રશાસક તેમની સીટ પર ઉભા હતા અને તેમણે કાશ્મીર પર પાકિસ્તાનના નબળા વલણની ટીકા કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

ફવાદ ચૌધરીએ દાવો કર્યો હતો કે, શહેબાઝ શરીફનો વિરોધ કર્યા બાદ ઇલ્યાસની કાર PoKના મંગલા વિસ્તારમાં રોકવામાં આવી હતી. હવે ઈસ્લામાબાદમાં શોપિંગ મોલ સીલ કરી દેવામાં આવ્યો છે. ચૌધરીએ કહ્યું હતું કે, આટલી ફાસીવાદી અને બિનલોકતાંત્રિક સરકાર આ પહેલા ક્યારેય જોઈ નથી. તેનાથી સરહદ પારના જમ્મુ અને કાશ્મીરના લોકોને શું સંદેશ જશે. તેમણે કહ્યું કે રોકાણકારો પર પણ તેની ખરાબ અસર પડશે.

(10:37 pm IST)