Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

૨૦૧૯ની ચૂંટણીમાં આશરે ૩૦ કરોડ લોકોએ મતદાન જ નહોતું કર્યું

૧૯૫૧માં કુલ મતદાતાઓની સંખ્‍યા ૧૭.૩૨ કરોડ હતીઃ જે હવે વધીને ૯૪,૫૦,૨૫,૬૯૪થી પણ વધારે થઈ ગઈ

મુંબઇ,તા. ૭: આઝાદી પછી દેશમાં મતદાતાઓના સંખ્‍યા છ ગણી વધી ગઈ છે. લેટેસ્‍ટ આંકડાની વાત કરીએ તો જાન્‍યુઆરીની પહેલી તારીખથી દેશમાં મતદાતાઓની સંખ્‍યા વધીને ૯૪.૫૦ કરોડ થઈ ગઈ છે. જૂના રિપોર્ટ અનુસાર ૧૯૫૧માં દેશમાં કુલ મતદાતાઓની સંખ્‍યા ૧૭.૩૨ કરો હતી, જે હવે વધીને ૯૪,૫૦,૨૫,૬૯૪થી પણ વધારે થઈ ગઈ છે. જોકે, ચૂંટણી પંચ માટે ચિંતાની વાત તો એ છે કે ગઈ લોકસભાની ચૂંટણીમાં પણ લગભગ એક તૃતિયાંશ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ નહોતો કર્યો. આવી પરિસ્‍થિતિમાં મતદાતાઓને પોલિંગ બૂથ સુધી લાવવા માટે ચૂંટણી પંચે કમર કસવી પડી રહી છે.

આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ૧૯૫૧માં યોજાયેલી ચૂંટણીમાં ૪૫.૬૭ ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું. ત્‍યાર બાદ મતદાતાઓના મતદાન કરવાની ટકાવારીનો ગ્રાફ ઉંચેને ઉંચે જ ગયો છે. વર્ષ ૧૯૫૭માં દેશમાં કુલ મતદાતાઓની સંખ્‍યા વધીને ૧૯.૩૭ કરોડ થઈ ગઈ હતી અને એ સમયે ૪૭ ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું. ૨૦૧૯ની વાત કરીએ તો ચૂંટણીમાં આશરે ૩૦ કરોડ લોકોએ મતદાન જ નહોતું કર્યું. મતદાન નહીં કરનારાઓમાં પણ શહેરી મતદાતા, યુવાનો અને પ્રવાસી મકદાતાઓ પોતાના અધિકારનો ઓછો ઉપયોગ કરી રહ્યા હોવાનું ધ્‍યાનમાં આવ્‍યું હતું.

પ્રવાસીઓ મતદાતાઓનું નામ તો પોતાના ગામ કે શહેરની યાદીમાં છે પણ કામકાજ માટે તે લોકો બીજા શહેર કે ગામમાં વસે છે. આ કારણસર અનેક મતદાતા પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ નથી કરી શકતા. ચૂંટણી પંચ દ્વારા આ સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે રિમોટ વોટિંગ ટેક્‍નોલોજીનો ઉપયોગ કરવાનો પ્રસ્‍તાવ રજૂ કરવામાં આવ્‍યો છે, પણ આ માટે હજી સુધી રાજકીય મંજૂરી અને મૂળ માળખાકિય ઢાંચામાં પરિવર્તન લાવવાની આવશ્‍યકતા છે. આ વર્ષે અનેક રાજયમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ પરિસ્‍થિતિમાં વધુને વધુ મતદાતાઓ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

૧૯૬૨ની ચૂંટણીમાં પહેલી જ વખત ૫૦ ટકા મતદાતાઓએ મતદાન કર્યું હતું અને એ સમયે કુલ મતદાતાઓની સંખ્‍યા ૨૧ કરોડનો આંકડો પાર કરી ચૂકી હતી. ૨૦૦૯નીચૂંટણી વખતે નોંધણીકૃત મતદાતા ૭૧ કરોડ જેટલા હતા, ૨૦૧૪માં આ આંકડો વધીને ૮૩ કરોડ થઈ ગયો હતો. ૨૦૧૯માં કુલ મતદાતા ૯૧ કરોડ હતા અને એમાં ૬૭ ટકા મતદાતાઓએ જ મતદાન કર્યું હતું. (૨૨.૨)

ઝડપથી વધી રહેતાં મતદાતા, પણ મતદાનમાં ઘટાડો

વર્ષ      મતદાતા      મતદાન

૧૯૫૭    ૧૯.૩૭        ૪૭.૭૪

૧૯૬૭    ૨૧.૬૪        ૫૫.૪૨

૨૦૦૯    ૭૧.૭૦        ૫૮.૨૧

૨૦૧૪    ૮૩.૪૦        ૬૬.૪૪

૨૦૧૯ ૯૧.૨૦ ૬૭.૪૦

(મતદાતાની સંખ્‍યા કરોડોમાં, મતદાનનું પ્રમાણ ટકાવારીમાં)

(3:39 pm IST)